બેંગલુરુઃ અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કના X (ભૂતપૂર્વ ટ્વિટર) સોશિયલ મિડિયા પ્લેટફોર્મે કન્ટેન્ટને દૂર કરવાના ભારતની એક અદાલતે આપેલા આદેશને પડકાર્યો છે. X ની દલીલ છે કે આ ચુકાદો બીજી વધુ કન્ટેન્ટને બ્લોક કરવા માટે ભારત સરકારને પ્રોત્સાહિત કરશે. X પ્લેટફોર્મે ગયા વર્ષના જુલાઈ મહિનામાં ભારતની કોર્ટના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી. કોર્ટે આ વર્ષના જૂન મહિનામાં Xની વિનંતીને નકારી કાઢી હતી અને તેને 50 લાખ રૂપિયા (60,560 ડોલર)નો દંડ ફટકાર્યો હતો.
ઈલોન મસ્કની માલિકીની બેંગલુરુસ્થિત કાયદા કંપની પૂવય્યા એન્ડ કંપનીએ X કંપની વતી હવે ભારતની કોર્ટમાં 96-પાનાંની અપીલ નોંધાવી છે. એમાં તેણે એમ જણાવ્યું છે કે કોઈ ચોક્કસ પોસ્ટને બદલે કોઈ આખા એકાઉન્ટને બ્લોક કરવાની ફરજ પાડતા માપદંડો વિશે સ્પષ્ટતા થવી જોઈએ, નહીં તો ભવિષ્યમાં કન્ટેન્ટને સેન્સર કરવાની સરકારને અમર્યાદિત સત્તા મળી જશે.
ઉલ્લેખનીય છે કે, અલગ શીખ રાષ્ટ્ર માટે શીખ અલગતાવાદીઓએ કરેલી માગણીને ટેકો આપતા તેમજ ભારતમાં ખેડૂતોના આંદોલન વિશે અને ભારત સરકારે કોરોના મહામારીના કરેલા સામનાન વિરુદ્ધમાં ખોટી માહિતી ફેલાવનાર એકાઉન્ટ્સ સહિત એ વિશેની તમામ સામગ્રીને દૂર કરવાનો ભારતના સત્તાધિશોએ વીતેલા અમુક વર્ષોમાં X (ટ્વિટર)ને આદેશ આપ્યો હતો.