ટેસ્લાના શેરોમાં કડાકો બોલતાં મસ્કની સંપત્તિમાં ઘટાડો

ન્યુ યોર્કઃ વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્કની કંપનીએ ચેતવણી ઉચ્ચારી હતી કે કંપની એનાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં ઘટાડો કરે એવી શકયતા છે, જે પછી કંપનીના શેરોમાં કડાકો બોલી ગયો હતો. જેથી કંપનીના માલિક એલન મસ્કની સંપત્તિમાં 20.3 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.મસ્કની કુલ સંપત્તિ ઘટીને 234.4 અબજ ડોલર થઈ હતી, જે બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં અત્યાર સુધીનો સાતમો સોથી મોટો ઘટાડો છે. જે વિશ્વના સૌથી શ્રીમંત લોકો- મસ્ક અને બર્નાર્ડ આરનોલ્ટની વચ્ચે સંપત્તિનું અંતર વધુ ઘટાડે છે. આરનોલ્ટ લક્ઝરી માલસામાન બનાવતી કંપની LVMHના પ્રેસિડેન્ટ છે.

હાલની મંદી પછી મસ્કની સંપત્તિ હજી પણ આરનોલ્ટ કરતાં આશરે 33 અબજ ડોલર વધુ છે. આ પહેલાં જૂનમાં પેરિસ ટ્રેડિંગમાં LVMHના શેરોમાં 2.6 ટકાનો ઘટાડો થયા પછી મસ્ક બર્નાર્ડને પાછળ છોડીને વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા હતા. બ્લમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં આ વર્ષે ટોચના સ્થાને રહેવા માટે મસ્ક અને આરનોલ્ટ વચ્ચે ગળાકાપ હરીફાઈ રહી છે.

મસ્ક સિવાય એમેઝોનના જેફ બેજોઝ, ઓરેકલ કોર્પોરેશનના લેરી એલિસન, માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના ભૂતપૂર્વ CEO સ્ટીવ બાલ્મર, મેટા પ્લેટફોર્મ ઇન્કના માર્ક ઝુકરબર્ગ અને આલ્ફાબેટ ઇન્ડના સબ સંસ્થાપક લેરી પેજ અને સર્ગેઇ બ્રિનની કુલ સંપત્તિમાં 20.8 અબજ ડોલરનું ધોવાણ થયું હતું, કેમ કે ટેક હેવી નેસ્ડેક 100માં 2.3 ટકાનો ઘટાડો થયો હતો. ન્યુ યોર્કમાં ઓસ્ટિન સ્થિત ટેસ્લાના શેર 9.7 ટકા ઘટીને 262.90 ડોલર પર આવી ગયા છે.