ઈલોન મસ્કે ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો

ન્યૂયોર્કઃ અમેરિકાની ઈલેક્ટ્રિક વાહનો અને ક્લીન એનર્જી ઉત્પાદક ટેસ્લા કંપનીના વડા ઈલોન મસ્કે માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. એમણે પોતે જ આ સમાચારની જાણ કરી છે. આ સાથે તેઓ ટ્વિટરના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા છે. તેમની આ જાહેરાતને પગલે શેરબજારોમાં ટ્વિટરનો શેર 27 ટકા જેટલો ઉછળ્યો હતો. પોતે ટ્વિટર-ફેસબુક જેવું એક નવું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તૈયાર કરવા ગંભીરપણે વિચારે છે એવું મસ્કે એક ટ્વીટ કર્યું હતું અને વાણી સ્વાતંત્ર્યના ઉદ્દેશ પ્રતિ ટ્વિટર કંપનીની વચનબદ્ધતા અંગે સવાલ પણ ઉઠાવ્યો હતો. હવે અચાનક એમણે ટ્વિટરમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

મસ્કે જાહેરાત કર્યા બાદ તરત જ એક પોલ (જનમત) શરૂ કર્યો હતો અને લોકોને પૂછ્યું હતું કે શું તમે ટ્વીટમાં એડિટ બટનની સુવિધા પ્રાપ્ત થાય એવું ઈચ્છો છો? આ પોલને ટ્વિટરના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર પરાગ અગ્રવાલે ફોલો કર્યું હતું અને યૂઝર્સને કાળજીપૂર્વક વોટ આપવાની અપીલ કરી હતી. પોલ શરૂ કરાયાના બે કલાકમાં જ 11 લાખ જેટલા યૂઝર્સે વોટ આપ્યો હતો અને એમાંના 75 ટકાથી પણ વધારે લોકોએ એડિટ બટનનું ફીચર અપાય એની તરફેણ કરી હતી. હાલ કોઈ પણ ટ્વીટને સેન્ડ કરી દીધા પછી એમાં કોઈ સુધારા-વધારા (એડિટ) કરી શકાતા નથી. પરંતુ યૂઝર્સને આ સુવિધા આપવા વિશે ટ્વિટરમાં લાંબા સમયથી ચર્ચા-વિચારણા ચાલી રહી છે.