નવી દિલ્હીઃ નાનપણમાં રાંચીના અપર બજારમાં કાગળના હવાઈ જહાજ ઉડાવતા મુરારી લાલ જાલાન જેટ એરવેઝને પાંખો આપશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLTએ) 22 જૂને દેવાંગ્રસ્ત જેટ એરવેઝ માટે કાલરોક-જાલાનના કોન્સોર્શિયમના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ યોજના અમેરિકાની એસેટ મેનેજમેન્ટ કંપની કાલરોક કેપિટલ અને રાંચીનિવાસી યુએઈના બિઝનેસમેન મુરારી લાલના કોન્સોર્શિયમે મોકલી હતી. જોકે આ મંજૂરીની સાથે કેટલીક શરતો પણ જોડાયેલી છે. એક અહેવાલ મુજબ જેટ એરવેઝને સ્લોટ ઉપલબ્ધ કરાવવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન (MCA)ને 22 જૂનથી 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કંપનીના સ્લોટ પર સિવિલ એવિયેશન રેગ્યુલેટર અંતિમ નિર્ણય લેશે. દેવાંને કારણે બે વર્ષ પહેલાં બંધ જેટ એરવેઝનું સંચાલન ફરીથી ચાલુ કરવા માટે કાલરોક-જાલાને રૂ. 1375 કરોડના મૂડીરોકાણનો પ્રસ્તાવ આપ્યો હતો.
જેટ ઓએરવેઝનું કામકાજ એપ્રિલ, 2019માં બંધ થયું હતું. એ વખતે કંપનીની પાસે જે સ્લોટ હતો, એ બીજી એરલાઇન કંપનીઓને ફાળવવામાં આવ્યો હતો.
મોટા ભાઈ નારાયણ જાલાને કહ્યું હતું કે મુરારી લાલ ગલીઓમાં કાગળના હવાઈ જહાજ ઉડાવતો હતો. કાગળના જહાજ ઉડાવતાં-ઉડાવતાં મુરારી લાલે જેટ એરવેઝને હસ્તગત કરી લીધી. પિતા ગણેશ પ્રસાદ જાલાન કાગળના વેપારી હતા.
જેટની પાસે 700 માર્ગો પર 180 વિમાનોનો કાફલો હતો, જ્યારે 3200 કર્મચારી હતા. એમાંથી 240 પાઇલટ, 110 એન્જિનિયર અને 650 ચાલક દળના સભ્યો હતો. કોર્સોર્શિયમે 30 વિમાનોની સાથે જેટ એરવેઝને સંપૂર્ણ રીતે સર્વિસ એરલાઇન્સ તરીકે પુનઃસ્થાપિત કરવાની યોજના આપી છે.