મુંબઈઃ પોતાના દંતકથાસમાન ઉદ્યોગપતિ પિતા ધીરુભાઈ અંબાણીનું 2002માં નિધન થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ધુરા સંભાળી લેનાર મુકેશ અંબાણીએ કંપનીના નેતૃત્ત્વપદે 20 વર્ષ પૂરા કર્યા છે. એમની આગેવાની હેઠળ કંપનીની આવકમાં 17-ગણો વધારો થયો છે. નફો 20-ગણો વધ્યો છે અને કંપની વૈશ્વિક સ્તરીય ઔદ્યોગિક સમૂહ બની છે. 65 વર્ષીય મુકેશભાઈનો જન્મ યમનના એડનમાં થયો હતો. એ વખતે ધીરુભાઈ અંબાણી ત્યાં એક ગેસ સ્ટેશન એટેન્ડન્ટ તરીકે કામ કરતા હતા. બાદમાં તેઓ મુંબઈ આવ્યા હતા. મુકેશભાઈએ મુંબઈ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનીયરિંગમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને બાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રીનું ભણવા ગયા હતા.
મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળ RILની સિદ્ધિઓઃ
- કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન જે 2022ના માર્ચમાં રૂ. 41,989 કરોડ હતું, તે 2022ના માર્ચમાં વધીને રૂ. 17,81,841 કરોડ થયું.
- આવક 2001-02માં રૂ. 45,411 કરોડ હતી, તે 2021-22માં રૂ. 792,756 કરોડ થઈ.
- નેટ પ્રોફિટ 2001-02માં રૂ. 3,280 કરોડ હતો, તે 2021-22માં વધીને રૂ. 67,845 કરોડ થયો
- કંપનીના પ્રોડક્ટ્સની નિકાસ 20 વર્ષમાં 16.9 ટકાના દરે વધી છે
- બે દાયકા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્વેસ્ટર સંપત્તિમાં રૂ. 17,4 લાખ કરોડનો ઉમેરો કર્યો.
- બે દાયકા દરમિયાન રિલાયન્સે અનેક ક્ષેત્રે વૈવિધ્યીકરણ કર્યું. તેણે 2006માં રિટેલ બિઝનેસ શરૂ કર્યો હતો, 2016માં ટેલિકોમ કંપની જિયો શરૂ કરી, 2021માં ન્યૂ એનર્જી ક્ષેત્રમાં ઝંપલાવ્યું.
- 2002માં જામનગરમાં સ્થપાયેલી કંપનીની ઓઈલ રીફાઈનરી આજે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન રીફાઈનિંગ કોમ્પ્લેક્સ છે. બે દાયકામાં કંપનીની ઓઈલ રીફાઈનિંગ ક્ષમતા બમણી થઈ ગઈ છે.
- કંપનીનો પેટ્રોકેમિકલ્સનો બિઝનેસ પણ અનેકગણો વધ્યો છે.
- જિયો લોન્ચ થયા બાદ ભારત દુનિયાનું ડેટા કેપિટલ બની ગયું છે. ડેટા/જીબીની કિંમત જે એક સમયે રૂ. 500 હતી, જે ઘટીને 12 રૂપિયા થઈ ગઈ છે.
- 2007માં મુકેશભાઈ રૂપિયાની દ્રષ્ટિએ ભારતના પ્રથમ ટ્રિલિયનેર બન્યા હતા.
- કંપનીની સખાવતી પ્રવૃત્તિઓ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સમર્થિત રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે, જેનું નેતૃત્ત્વ મુકેશભાઈના પત્ની નીતા અંબાણી સંભાળી રહ્યાં છે.