નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એવો નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે કે જે લાગુ થયા બાદ વીજળી પૂરી પાડતી કંપનીઓ જો સપ્લાયમાં કાપ મૂકશે તો તેમના પર ગાળીયો કસાશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારનું ઊર્જા મંત્રાલય વીજળી એક્ટમાં સંશોધન કરવા પર વિચાર કરી રહ્યું છે. સંશોધન થયાં બાદ વીજકાપ કરનારી કંપનીઓ પાસેથી દંડ વસૂલાશે અને સાથે એવી પણ દરખાસ્ત છે કે જેના દ્વારા ગેસ સબસિડીની જેમ રાજ્યો દ્વારા વીજળી પર આપવામાં આવતી સબસિડી પણ લોકો સુધી ડાયરેક્ટ પહોંચી જશે. ઊર્જા મંત્રાલય બજેટ સત્ર દરમિયાન જ વીજળી એક્ટમાં સંશોધન કરવા માટે બિલ રજૂ કરી શકે છે. જો બિલ પાસ થયું તો વીજળી આપવાની પોતાની ફરજને યોગ્ય રીતે ન નીભાવનાર કંપનીઓ પર દિવસના હિસાબથી દંડ લગાવાશે. જો કે બિલમાં એ પણ દરખાસ્ત હશે કે પ્રાકૃતિક આપત્તિઓ જેવી કે ચક્રવાત, તોફાન અને પૂર જેવી પરીસ્થિતિ દરમિયાન કંપનીઓને છૂટ મળી શકશે.