રીટેલ, બાંધકામ ક્ષેત્રોમાં 100 ટકા FDIને મંજૂરી; એરલાઈન્સમાં 49 ટકા FDI

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળે મહત્વના ક્ષેત્રોમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના નિયમોને હળવા બનાવતા મોટા ફેરફારો કર્યા છે.

કેન્દ્રીય કેબિનેટે એફડીઆઈ મામલે અનેક સુધારા કરીને સિંગલ બ્રાન્ડ રીટેલ ટ્રેડિંગ તથા કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપી છે અને એર ઈન્ડિયામાં 49 ટકા સુધીની એફડીઆઈ માટે મંજૂરી આપવાનો નિર્ણય પણ લીધો છે.

તે ઉપરાંત સરકારે નક્કી કર્યું છે કે વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરો તથા પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોને પ્રાયમરી માર્કેટ મારફત પાવર એક્સચેન્જોમાં મૂડીરોકાણ કરવા દેવામાં આવે.

સરકારે તેની એફડીઆઈ નીતિમાં મેડિકલ સાધનસામગ્રીની પરિભાષામાં સુધારો પણ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ આજે મળેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકારનો હેતુ એફડીઆઈ નીતિને હળવી બનાવવાનો છે જેથી વ્યાપાર કરવાનું આસાન બની રહે.

આ નિર્ણયોને કારણે ભારતમાં એફડીઆઈનો પ્રવાહ વધશે અને તેને પગલે મૂડીરોકાણ, આવક, રોજગારીની તકો વધશે, એવું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

હાલ સિંગલ બ્રાન્ડ રીટેલ ટ્રેડિંગમાં ઓટોમેટિક રૂટ અંતર્ગત 49 ટકા એફડીઆઈને મંજૂરી છે, પરંતુ નવા નિર્ણય બાદ ઓટોમેટિક રૂટ હેઠળ પણ 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે.

એફડીઆઈવાળા સિંગલ બ્રાન્ડ રીટેલ સ્ટોરને ઘરેલુ સામાન ખરીદવા માટેની શરતો હળવી બનાવવામાં આવી છે.