નવી દિલ્હીઃ દેશના પગારદાર વર્ગને ફેબ્રુઆરીની પહેલી તારીખે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી ભેટ મળી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા ભલે ઈનકમ ટેક્સ સ્લેબમાં ઘટાડો કે છૂટ આપવામાં ન આવે પરંતુ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં છૂટ આપવામાં આવી શકે છે એટલે કે રોકાણ પર સરકાર ટેક્સમાં રાહતની સીમાને વધારી શકે છે. અત્યારે ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80સીસી અંતર્ગત 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ પ્રાપ્ત કરી શકાય છે.
જો સરકાર આમ કરશે તો પગારદાર લોકો પાસે ખર્ચ માટે વધારે પૈસા ભેગા થશે. પીએમઓ અને નાણામંત્રાલય દ્વારા આને લઈને રેવન્યૂ પર પડનારી અસરનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.
સરકારના આ પગલાથી પગારદાર અને બિનપગારદાર લોકો વચ્ચે કેટલીક હદ સુધી સમાનતા સ્થાપિત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ઘણીવાર ટેક્સ એક્સપર્ટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સુધારો કરવા માટેના સૂચનો કર્યા છે જેથી સૈલરીડ લોકોના હાથમાં ખર્ચ માટે વધારે પૈસા આવે.