મિડલ-ઇસ્ટના ટેન્શને સેન્સેક્સ 845 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે પહેલાં ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારો ખરાબ વૈશ્વિક સંકેતોને પગલે એક ટકાથી વધારે તૂટીને બંધ રહ્યા હતા. નિફ્ટી પણ એક ટકાથી વધુ તૂટીને 22,300ની નીચે ચાલી ગયો. હતો. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ રેકોર્ડ હાઇથી 1724 પોઇન્ટ તૂટી ચૂક્યો છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. પાંચ લાખ કરોડનો ઘટાડો થયો હતો. આજના ઘટાડા સાથે બજાર બે સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું છે. વોલિટિલિટી ઇન્ડેક્સ આઠ ટકા વધીને બંધ રહ્યો હતો.

ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષને કારણે બજારમાં રોકાણકારોએ સાવચેતીરૂપી નફારૂપી વેચવાલી કાઢી હતી. આ સાથે આગામી કેટલાંક ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર દબાણમાં રહે એવી શક્યતા છે. મિડલ ઇસ્ટમાં જારી ઘટનાક્રમ પછી વૈશ્વિક બજારોમાં વેચવાલી જોવા મળી હતી. આ સાથે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી હતી. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો છ મહિનાના ઊંચા સ્તરે પહોંચી હતી. માર્ચમાં ફ્યુઅલની કિંમતો છ ટકા અને એપ્રિલમાં અત્યાર સુધી ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે.

સેન્સેક્સ સવારના ટ્રેડિંગ સેશનમાં 900થી વધુ પોઇન્ટ તૂટીને 73,315.16 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે 845.12 પોઇ તૂટીને 73,399.78ના સ્તર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 246.90 પોઇન્ટના ઘટાડા સાથે 22,272.50ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 50 શેરો પૈકી 44 શેરો ઘટીને બંધ થયા હતા.

BSE પર કુલ 4049 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 917 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 2984 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 148 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 164 શેરોએ 52 સપ્તહાની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 26 શેરો 52 સપ્તાહની નવી નીચલી સપાટીએ પહોંચ્યા હતા.