સરકારનો બોર્નવિટાને હેલ્થ ડ્રિન્કની કેટેગરીમાંથી દૂર કરવાનો નિર્દેશ

નવી દિલ્હીઃ ઉદ્યોગ મંત્રાલયે હેલ્થ ડ્રિન્ક પર ઈકોમર્સ કંપનીઓને એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલયે કંપનીઓને ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે બોર્નવિટા અને અન્ય ડ્રિન્ક અથવા બેવરેજીસને હેલ્થ ડ્રિન્ક કેટેગરીમાં સામેલ નહીં કરો. બધી ઈ-કોમર્સ કંપનીઓની વેબસાઇટો પરથી બોર્નવિટા સહિત પેય પદાર્થોને હેલ્થી પેય પદાર્થોની કેટેગરીમાંથી દૂર કરવામાં આવે, એમ મંત્રાલયે કહ્યું હતું.

આ પહેલાં બીજી એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ બધી ઈ-કોમર્સ કંપનીઓને નિર્દેશ આપતાં કહ્યું હતું તેઓ તેમની વેબસાઇટ્સ પરથી વેચવામાં આવતાં ફૂડ ઉત્પાદનોને ઉચિત કેટેગરીમાં રાખે.  આ સાથે ઓથોરિટીએ કોઈ પણ પેય પદાર્થના વેચાણને વધારવા માટે હેલ્થ ડ્રિન્ક અને એનર્જી ડ્રિંક જેવા શબ્દોનો દુરુપયોગ નહીં કરવા માટે કહ્યું હતું.

 

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR)એ ગયા વર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોડેલેઝ ઇન્ટરનેશનલ ઇન્ડિયા લિ.ને નોટિસ મોકલી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોડક્ટમાં વધુપડતી શુગર હોવાની ફરિયાદ છે. કેટલાંક એવાં તત્ત્વો પણ છે, જે બાળકોના આયોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેથી કંપની આ ઉત્પાદનની બધી ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરે અને એ ઉત્પાદનોને પરત લે.

ઇન્ડિયન એનર્જી ડ્રિન્ક અને સ્પોર્ટ્સ ડ્રિન્કનું હાલનું બજાર કદ 4.7 અબજ ડોલર છ, જે 2028 સુધીમાં 5.71 ટકાના CAGR ગ્રોથની સાથે વધવાની અપેક્ષા છે. જો ચોકલેટ પાઉડર અથવા આર્ટિફિશિયલ ફ્લેવર દૂધમાં મેળવીને બાળકને આપવામાં આવે તો એમાં ખાંડ હોવાને કારણે એ અનહેલ્થી છે, એમ ડોક્ટરે કહ્યું હતું.