મિડકેપ, સ્મોલકેપ નવી ઊંચાઈએઃ માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન $ને પાર

અમદાવાદઃ એશિયા અને યુરોપના બજારોમાં મળેલા પ્રતિકૂળ સંકેતો અને વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે શેરોમાં બેતરફી વધઘટે ભારતીય શેરબજારો વધીને બંધ થયા હતા. જોકે મિડકેપ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી. જેથી મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.18 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ ઇન્ડેક્સ સૌપ્રથમ વાર 52,000ને પાર બંધ થયો હતો.

રસપ્રદ વાત એ હતી કે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. પાંચ લાખ કરોડ ડોલર એટલે કે 414.46 લાખ કરોડને પાર થયું હતું. આવું ભારતીય શેરબજારમાં સૌપ્રથમ વાર જોવા મળ્યું હતું. બજારના વેલ્યુએશનમાં છ મહિનામાં રૂ. એક લાખ કરોડ ડોલરથી વધુ વધ્યું છે. નવેમ્બર, 2023માં BSEનું માર્કેટ કેપ રૂ. ચાર લાખ કરોડ ડોલરને પાર થયું હતું.

ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 52.62 પોઇન્ટ વધીને 73,953.31 બંધ થયો હતો, જ્યારે NSE 50 ઇન્ડેક્સ 27.05 વધીને 22,529.05ના સ્તરે બંધ થયો હતો.

ભારતીય શેરબજારોમાં ઉછાળાનું કારણ દેશના GDP ગ્રોથનો અંદાજ છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે માર્ચ ત્રિમાસિકમાં દેશનો GDP ગ્રોથ રેટ 6.2 ટકા અને નાણાકીય વર્ષ 2023-24માં આશરે 6.9થી સાત ટકા અંદાજ્યો હતો. આ સાથે આવતા ચાલુ નાણાકીય વર્ષમાં પણ GDP ગ્રોથ 7.8 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

BSE  પર કુલ 4087 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 1621 શેરોમાં તેજી થઈ હતી અને 2314 શેરો નરમ બંધ આવ્યા હતા. 152 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 296 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 33 શેરોએ 52 સપ્તાહની નીચી સપાટી તોડી હતી.