અમદાવાદઃ શ્રીમંત બનવું દરેક જણનું સપનું હોય છે. લગભગ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની પાસે અખૂટ ધન-દૌલત હોય. લોકો એમાં જિંદગીનો એક સારોએવો હિસ્સો ખર્ચી નાખે છે.વિશ્વના મોટા ભાગના અબજોપતિઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. જોકે અનેક લોકોએ જિંદગીમાં અજબપતિ બનવાના સપનાને પૂરું કરી બતાવ્યું છે. આવી જ એક વ્યક્તિ છે એલેકઝેન્ડર વાંગ.
વાંગ માત્ર 25 વર્ષની વયે વિશ્વના યુવા અબજપતિ બન્યો છે. કેટલાય લોકો એની તુલના એલન મસ્ક સાથે પણ કરે છે. વાંગ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)નો ડ્રોપઆઉટ પણ છે. તે ત્યાં મેથ્સ અને કોમ્પ્યુટર સાયન્સ BSનો અભ્યાસ કરતો હતો. ન્યુ ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીમાં પહેલું વર્ષ પૂરું કર્યા પછી વાંગે લુસી ગુઓની સાથે ‘સ્કેલ’નો પાયો નાખ્યો. અમેરિકી સ્ટાર્ટઅપ કોમ્બિનેટરની ફન્ડિંગથી બિઝનેસ પાર્ટનર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
વાંગ સ્કૂલમાં મેથ અને કોડિંગની સ્પર્ધામાં ભાગ લેતો હતો. તેણે 19 વર્ષની વયે કંપની શરૂ કરી હતી અને 325 મિલિયન ડોલરના ફન્ડિંગ રાઉન્ડ પછી સ્કેલ AIનું મૂલ્ય 7.3 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. વાંગનો અંદાજે હિસ્સો 15 ટકા હતો, જે એક અબજ ડોલર થયો હતો, જે તેને વિશ્વનો સૌથી નાની વયનો અબજપતિ બનાવતો હતો. આશરે 300થી વધુ કંપનીઓ તેની કંપની સ્કેલની સર્વિસ લઈ ચૂકી છે, જેમાં જનરલ મોટર્સ, પેપાલ, ટોયોટા અને ફ્લેક્સપોર્ટ સહિત અન્ય કંપનીઓ સામેલ છે. વાંગની કંપનીએ પહેલા જ વર્ષમાં 100 મિલિયન અમેરિકી ડોલરની આવક હાંસલ કરી હતી.