અમદાવાદઃ HDFC બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં શાનદાર રિકવરીને પગલે બજારને સપોર્ટ મળ્યો હતો. HDFC શેર બે ટકા વધવા સાથે IT શેરોમાં લવાલીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક ટકા મજબૂત થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.21 લાખ કરોડનો વધારો થયો હતો.આ સાથે જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં શેરબજારમાં વેચાણો કપાતાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સારીએવી તેજી થઈ હતી. રિયલ્ટી ઇન્ડેક્સ છોડીને BSEના બધા સેક્ટર તેજીની સાથે બંધ થયા હતા.
શેરબજારમાં ટ્રેડિંગ સેશનમાં ભારે ઉતાર-ચઢાવ થયા બાદ સેન્સેક્સ 696 પોઇન્ટની તેજી સાથે 71,066ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 227 પોઇન્ટ ઊછળીને 21,466 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 અને BSE સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બે ટકાની તેજી થઈ હતી, જ્યારે નિફ્ટી IT અને બેન્ક નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા.
ભારતીય શેરબજારોમાં વિદેશી ફંડોએ છેલ્લા 19 મહિનામાં ગયા સપ્તાહમાં સૌથી વધુ શેરોમાં વેચવાલી કરી હતી અને પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ગયા સપ્તાહે વિદેશી ફંડોએ 2.4 અબજ ડોલરના શેરોનું વેચાણ કર્યું હતું., જે જૂન-2022 પછી સૌથી વધુ હતી. ફંડોએ મંગળવારે 37.4 લાખ શેરોનું વેચાણ કર્યું હતું. જોકે વિદેશી ફંડોએ વર્ષ 2023માં ભારતીય શેરોમાં 21 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું.
કેટલીક કંપનીઓનાં અંદાજ કરતાં નબળાં પરિણામો અને બેન્કોના લોન ગ્રોથમાં સ્લોડાઉન આગામી દિવસોમાં બજારની ચાલ નક્કી કરશે.