નવી દિલ્હીઃ સોના માટે ભારતીયોને જેટલો પ્રેમ છે, એટલો ભાગ્યે કોઈ અન્ય દેશના લોકોને હશે. સોનાની ખરીદીમાં શુદ્ધતાને લઈને સરકાર ઘણી ગંભીર છે અને એટલે સરકારે સોનાની દરેક ચીજવસ્તુઓ પર હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. હાલ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 48,645 છે. બીજી બાજુ ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગને લઈને જવેલર્સમાં નારાજગી પ્રવર્તી રહી છે. દેશના 350 જ્વેલરી એસોસિયેશનોએ એની સામે પ્રતીક હડતાળ કરી છે. જ્વેલર્સનું કહેવું છે કે દેશમાં અત્યાર સુધી હોલમાર્કિંગ સેન્ટર્સ નથી બનાવવામાં આવ્યા, જેને કારણે કેટલાય દિવસો સુધી રાહ જોવી પડે છે, જેને લીધે તેમના વેપાર-વ્યવસાયને પ્રતિકૂળ અસર થઈ રહી છે.
સોનાની શુદ્ધતા અને સુંદરતાને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને હોલમાર્કિંગ કહેવાય છે. ભારતીય માન્યતા પ્રાપ્ત સંસ્થા BIS અધિનિયમ હેઠળ સોનાની સાથે ચાંદીનાં આભૂષણોનું પણ હોલમાર્કિંગ જરૂરી છે. હોલમાર્કિંગથી સોનાની શુદ્ધતા ગ્રાહકને માલૂમ પડે છે. જ્વેલર્સનું કહેવું છે કે એનાથી ઇન્સ્પેક્ટર રાજની પરત ફરશે. જ્વેલર્સનું કહેવું છે કે નવા HUID સિસ્ટમ ફૂલપ્રૂફ નથી. વેપારીઓ આ મુદ્દે ધરણાં પ્રદર્શન યોજશે. રાજસ્થાનમાં આશરે 50,000 વેપારી અને બે લાખ કર્મચારીઓ અને પાંચ લાખ કારીગરો હડતાળ પર રહેશે.
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)નું કહેવું છે કે હોલમાર્કિંગ યુનિક ID (HUID) એક બહુ જટિલ અને ધીમી પ્રક્રિયા છે. એનાથી વેપાર-વ્યવસાય ઠપ થવાનો અંદેશો છે.