રિલાયન્સ જિયોમાં 2.32% ખરીદશે અમેરિકી કંપની KKR

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોમાં વિદેશી કંપનીઓનું મૂડીરોકાણ આવવાનું સતત ચાલુ છે. એક મહિનામાં જ જિયોએ પાંચમો મોટો સોદો ફાઈનલ કરી લીધો છે. અમેરિકાની કંપની KKRએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મમાં મોટું મૂડીરોકાણ કર્યાની જાહેરાત કરી છે. જિયો પ્લેટફોર્મ્સમાં KKR 11,367 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આ સોદા અંતર્ગત કેકેઆર રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા ભાગીદારી ખરીદશે. એશિયાની કોઈપણ કંપનીમાં KKRનું અત્યાર સુધીનું આ સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ છે. આ પહેલા ફેસબુક, સિલ્વરલેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ અને જનરલ અટલાન્ટિક કંપનીઓ જિયોમાં નાણાં રોકી ચૂકી છે. એક મહિનામાં જિયો પ્લેટફોર્મ્સનો આ પાંચમો મોટો સોદો છે. આ પાંચેય ડીલથી જિયો પ્લેટફોર્મે એક મહિનામાં 78,562 કરોડ રુપિયા એકત્ર કર્યા છે.

જિયો પ્લેટફોર્મ્સમાં અત્યારસુધી 17.12 ટકા ભાગીદારી માટે રોકાણની જાહેરાત થઈ ચૂકી છે. આ અંતર્ગત ફેસબુકે 9.99 ટકા, સિલ્વરલેકે 1.15 ટકા, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે 2.32 ટકા, જનરલ અટલાન્ટિકે 1.34 ટકા અને હવે કે.કે.આરે 2.32 ટકા ભાગ ખરીદવાની જાહેરાત કરી દીધી છે.

17 મેના રોજ રિલાન્ય જિયોમાં ન્યૂયોર્કની પ્રાઈવેટ ઈક્વિટી કંપની જનરલ અટલાન્ટિકે 6598.38 કરોડ રુપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ડીલ અંતર્ગત જનરલ અટલાન્ટિક, જિયો પ્લેટફોર્મ્સમાં 1.34 ટકા ભાગીદારી ખરીદી રહી છે. કોઈપણ એશિયાઈ કંપનીમાં જનરલ અટલાન્ટિકનું આ સૌથી મોટુ રોકાણ હતું.

સૌથી પહેલા ફેસબુકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા ભાગીદારી 43,574 કરોડ રુપિયામાં ખરીદવાની જાહેરાત કરી હતી.