અમદાવાદ- બજારમાં હરીફ કંપનીઓને ચારેખાને ચીત કરતાં રીલાયન્સ જિઓ હવે બે વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ ધપતાં ટૂંક સમયમાં દેશની 99 ટકા વસ્તીને જિઓ વાપરતી કરવાની દિશામાં કંપની ઝપાટાભેર આગળ વધી રહી છે.
પાંચ સપ્ટેમ્બર 2016ના દિવસે જિઓના પ્રારંભની જાહેરાત થવાની સાથે ડેટાની શક્તિ દરેક ભારતીયને ઉપલબ્ધ બની હતી. છેલ્લાં બે વર્ષમાં જિઓ લોન્ચિંગ બાદ ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ઓલ આઇ.પી.નેટવર્ક ધરાવતો દેશ બની ગયો. જિઓનું નેટવર્ક અત્યાધુનિક, ઓલ આઇ.પી. ધરાવતું 800 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ અને 2300 મેગાહર્ટ્ઝ બેન્ડમાં એલ.ટી.ઇ. સ્પેક્ટ્રમ ધરાવે છે અને ટૂંક જ સમયમાં તે ભારતની 99 ટકા વસ્તીને આવરી લેશે.
આ સમયગાળા દરમિયાન, ડેટાની કીમત પણ સસ્તી બની છે. અગાઉ, એક જીબી ડેટા માટે રૂ.250થી રૂ.10,000 સુધીની કિંમત વસૂલવામાં આવતી હતી. જિઓની સેવાઓના પ્રારંભ બાદ આ કીમત જીબી ડેટા દીઠ રૂ.15 સુધી નીચે આવી ગઈ છે. જિઓના વપરાશકર્તાઓ તો વિવિધ પ્લાન હેઠળ આના કરતાં પણ ઓછી કીમત ચૂકવે છે.
ભારતમાં મોબાઇલ ડેટા વપરાશ પ્રતિ માસ 20 કરોડ જીબી.થી વધીને 370 કરોડ જીબી થયો છે. માત્ર જિઓના ગ્રાહકો જ પ્રતિ માસ 240 કરોડ જીબી ડેટાનો વપરાશ કરે છે. બ્રોડબેન્ડની પહોંચની રીતે ભારત 155મા સ્થાનેથી આગળ વધીને મોબાઇલ ડેટા વપરાશની દ્રષ્ટિએ વિશ્વમાં નંબર એક પર પહોંચી ગયું છે. જિઓના પ્રારંભના થોડાક જ મહિનાઓમાં જિઓના નેટવર્ક પર ડેટા ટ્રાન્સમિશન 100 કરોડ જીબી ને પાર કરી જતાં જિઓ વિશ્વની પ્રથમ અને એકમાત્ર એક્ઝાબાઇટ ટેલિકોમ નેટવર્ક કંપની બની ગઈ હતી.
કંપની દર સેકન્ડે સાત ગ્રાહકો પોતાના નેટવર્ક સાથે જોડવા સાથે માત્ર 170 દિવસમાં 100 મિલિયન (10 કરોડ) ગ્રાહકો ધરાવતી કંપની બની ગઈ. આજે, 215 મિલિયન (21.5 કરોડ) કરતાં વધારે ગ્રાહકો (જૂન 30,2018ની સ્થિતિએ) જિઓ નેટવર્ક પર ડિજિટલ લાઇફનો આનંદ માણી રહ્યા છે.
આ બે વર્ષમાં જિઓએ ગુજરાતમાં 14.8 મિલિયન (1.48 કરોડ) ગ્રાહકો મેળવ્યાં છે. જૂન 30,2018 સુધીમાં જિઓએ કુલ 70,8 મિલિયન (7.08 કરોડ) ગ્રાહકોમાં 20 ટકા હિસ્સો મેળવી લીધો છે. એટલું જ નહીં, આજે, કુલ ગ્રાહકો અને આવકના આધાર પર જિઓ ગુજરાતમાં બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે.