બર્નસ્ટેઇનઃ 2021 સુધીમાં જિઓ હશે ભારતમાં નંબર 1 ટેલીકોમ કંપની

નવી દિલ્હીઃ ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણની રીલાયન્સ જિઓ ઇન્ફોકોમ વર્ષ 2021 સુધીમાં સૌથી વધુ આવક મેળવતી અને વર્ષ 2022 સુધીમાં સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતી દેશની નમ્બર 1 ટેલીકોમ કંપની બનશે એવી આગાહી સેનફોર્ડ સી બર્નસ્ટેઇન એન્ડ કંપનીએ એક અહેવાલમાં કરી છે.

મફત વોઈસ કોલ અને ડેટા સાથે બે વર્ષ પહેલા રીલાયન્સ જિઓની શરૂઆત થઇ હતી. આ પછી કંપનીએ આજીવન મફત વોઈસ કોલ અને ડેટા માટે નજીવી કીંમત વસૂલવાનું શરુ કર્યું હતું અને અત્યારે 22.7 કરોડ ગ્રાહકો સાથે, વોડાફોન – આઈડિયા અને ભારતી એરટેલ પછી ભારતની ત્રીજા ક્રમની ટેલીકોમ કંપની બની છે.

બર્નસ્ટેઇન દ્વારા ભારતના ટેલીકોમ ક્ષેત્ર ઉપર સૌથી પહેલો રીપોર્ટ વર્ષ 2015માં બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલ સમયે જ બર્નસ્ટેઇનને ખ્યાલ હતો કે રાષ્ટ્રવ્યાપી સ્પેક્ટ્રમ અને ફાઈબર નેટવર્કનું માળખું ઉભું ક્રરી રહેલી રીલાયન્સ જિઓ ભારતીય ટેલીકોમ ઉદ્યોગનું ચિત્ર પલટી નાખશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે“અમને આશા હતી જ કે અનલિમિટેડ મફત વોઈસ અને મોટા ડેટા પેકેટ થકી બજાર ઉપર દબાણ વધશે જેનાથી નાની કંપનીઓ એક થઇ જશે. અમને એવી આશા પણ હતી કે જિઓ આઈડિયાને પાછળ રાખી દેશની ત્રીજા ક્રમની કંપની બનશે પણ અમને એવો ખ્યાલ નહોતો કે જિઓ દેશની સૌથી મોટી કંપની બનશે.

કોઈ સ્ટાર્ટઅપે, ક્યાંય પણ આટલી મોટી સફળતા મેળવી નથી એમાં પણ જયારે મધ્યમ વર્ગમાં ટેલીકોમનો વ્યાપ આટલો ઉંચો હોય તેવા સમયે. ભારતના તીવ્ર સ્પર્ધાવળા બજારમાં ભારતી એરટેલ વર્ષ 2015માં પ્રથમ ક્રમે આવી હતી અને વૈશ્વિક ટેકો હોવા છતાં વોડાફોન બીજા ક્રમે અને આઈડિયા ત્રીજા ક્રમે હતી. આ પછી વોડાફોન અને આઈડિયા મર્જ થયા છે અને અત્યારે દેશના સૌથી મોટા ટેલીકોમ ઓપેરેટર છે.

એનાલીસ્ટ ક્રીસ લેન અને સેમ્યુઅલ ચેને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે “બે દાયકાથી ટેલીકોમ ક્ષેત્રનો અભ્યાસ કર્યા પછી અમે માનતા હતા કે પ્રથમ ક્રમ મેળવવો લગભગ અશક્ય છે. અમારા લાંબાગાળાના તારણો પણ એમ જ સૂચિત કરી રહ્યા હતા.

બર્નસ્ટેઇનના અહેવાલ અનુસાર આ લાંબાગાળાના તારણો હવે અપડેટ કરવામાં આવ્યા છે અને તેના અનુસાર જિઓ ભારતની પ્રથમ ક્રમની કંપની બનશે એવી આગાહી કરવામાં આવી છે. “જે રીતે નવા ગ્રાહકો કંપની મેળવી રહી છે એ મુજબ વર્ષ 2021 સુધીમાં કુલ કમાણીની દ્રષ્ટિએ અને વર્ષ 2022માં કુલ ગ્રાહકોની દ્રષ્ટિએ જિઓ ભારતની પ્રથમ ક્રમની ટેલીકોમ કંપની બનશે. અમને એવો પણ વિશ્વાસ છે કે આ પ્રથમ ક્રમ મળ્યા સુધી જિઓફોન ઉપર આપવામાં આવતી છૂટ પણ ચાલુ રહેશે.

ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પાસે જિઓના મફત કોલ્સ અને સસ્તા જિઓફોન સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે કોઈ શસ્ત્ર નથી. “અમને એવું લાગે છે કે આ બન્ને કંપનીએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું છે જયારે જિઓ અગ્રીમ હરોળમાં આવ્યા પછી પોતાની સ્ટ્રેટેજી બદલી કિમતો વધારશે.

સસ્તા ફોન થકી જિઓ મહીને 60 લાખથી 1 કરોડ નવા ગ્રાહકો ઉમેરી રહી છે. ભલે જાહેર થયું નથી પણ અમારી દ્રષ્ટીએ સસ્તા જિઓફોનની ખરીદીથી નવા ગ્રાહકો ઉમેરાઈ રહ્યા છે. જિઓ રૂ.1500ની રીફંડેબલ ડીપોઝીટ સાથે 4G ફોન વેંચી રહી છે જયારે ભારતી અને વોડાફોનના મેનેજમેન્ટ પ્રિપેડ ગ્રાહકોને સસ્તા ફોન આપવાની વિરુદ્ધ છે.

“જો કોઈ પડકાર આવે નહી તો વર્ષ 2021 સુધીમાં આવકની દ્રષ્ટિ અને 2022માં ગ્રાહકોની દ્રષ્ટિએ જિઓ પ્રથમ ક્રમે હશે એવું અમારું તારણ છે. જિઓ માર્ચ 2019ના અંતે 28 ટકા બજાર હિસ્સો ધરવતી હશે,” એમ રીપોર્ટ જણાવે છે. જિઓ પાસે અત્યારે આવક અને ગ્રાહકોમાં 16 ટકા બજાર હિસ્સો છે. ભારતી એરટેલ પાસે 31 ટકા આવક અને 26 ટકા ગ્રાહકો છે જયારે વોડાફોન આઈડિયા પાસે 42 ટકા કમાણી અને 37 ટકા ગ્રાહકો છે.

બર્નસ્ટેઇનના રીપોર્ટનો અંદાજ છે કે વર્ષ 2020-11માં જિઓ પાસે કુલ બજારની 34 ટકા કમાણી હશે જયારે વોડાફોન આઈડિયાની કમાણી ઘટી 31 ટકા અને ભારતીની કમાણી પણ ઘટી 30 ટકા રહેશે. એવી જ રીતે વર્ષ 2021-22માં જિઓ પાસે કુલ બજારના 32 ટકા ગ્રાહકો હશે જયારે વોડાફોન આઈડિયાના ગ્રાહકો ઘટી 32 ટકા અને ભારતી એરટેલના ગ્રાહકો ઘટી 37 ટકા થઇ જશે.