કોરોના મહામારી દરમિયાન રૂ. 78,562 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ વર્ધક બળ પૂરું પાડ્યા બાદ પિતૃ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિયો પ્લેટફોર્મ્સમાં હજી પણ 83 ટકા હિસ્સો જાળવી રાખ્યો છે જેના 38 કરોડ 80 લાખ ધારકો છે.
વિશેષતાઃ
* ત્રણ વર્ષ જૂના જિયો પ્લેટફોર્મનું વેલ્યૂએશન 65 અબજ ડોલર છે
* RILએ ચાર અઠવાડિયામાં પાંચ કંપનીઓ પાસેથી 10.7 અબજ ડોલરનું ફંડ હાંસલ કર્યું છે, જ્યારે દુનિયાભરમાં બીજી કોર્પોરેટ કંપનીઓ કર્મચારીઓના પગાર કાપી રહી છે અથવા મોટા પાયે છટણી કરી રહી છે
* KKR, જે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ એશિયા ખંડમાં મોટું નામ છે, એણે જિયોની એન્ટરપ્રાઈઝ વેલ્યૂને રૂ. 5.16 લાખ કરોડ જેટલી વધારી દીધી છે
કોરોનાવાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે આજે આંતરરાષ્ટ્રીય મર્જર્સ તથા હસ્તાંતરણ (M&A) માર્કેટ ઠપ છે ત્યારે ભારતનું અગ્રગણ્ય ડિજિટલ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ સરળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આ જ સમયગાળા દરમિયાન અબજો ડોલરનું મૂડીરોકાણ હાંસલ કરી રહ્યું છે.
જિયો પ્લેટફોર્મ્સની જે માલિક છે તે પિતૃ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માત્ર એક જ મહિનાના ગાળામાં તેના ડિજિટલ યુનિટમાં હિસ્સો વેચવાના એક નહીં, પણ પાંચ-પાંચ રાઉન્ડ કરી ચૂકી છે.
આ બધું આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટરોના રૂપમાં છે. આમાં સોશિયલ મિડિયા જાયન્ટ ફેસબુકનો સમાવેશ થાય છે, જેણે ત્રણ વર્ષ જૂની કંપનીનું વેલ્યૂએશન રૂ. 65 અબજ વધારી દીધું છે. સહિયારું ગણીએ તો આ સોદા 10.3 અબજ ડોલર અથવા રૂ. 78,562 કરોડના થવા જાય છે. આનો ઉપયોગ RIL તેના 44 અબજ ડોલરની કિંમતના ઋણને ચૂકવી દેવા માટે કરશે.
પાંચ સોદા, જેણે જિયોને બનાવી ભારતની સૌથી મોટી ટેક કંપની
ફેસબુક-જિયો સોદોઃ માર્ક ઝુકરબર્ગની માલિકીની સોશિયલ મિડિયા કંપનીએ કહ્યું કે એ RILની ડિજિટલ કંપનીમાં 5.7 અબજ ડોલર અથવા રૂ. 43.574 કરોડ રોકશે. આ ઈન્વેસ્ટમેન્ટ સાથે જિયો પ્લેટફોર્મની વેલ્યૂ 4.62 લાખ કરોડ અથવા 65.95 અબજ ડોલર થઈ. ફેસબુકે જિયોમાં 9.99 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યો છે.
આ સોદાની જાહેરાત 2020ની 22 એપ્રિલે કરવામાં આવી હતી, જેનાથી ઉદાસીભર્યા વાતાવરણમાં માર્કેટને ઘણી રાહત થઈ. આનાથી વિદેશી ઈન્વેસ્ટરોનો ભારતમાંનો વિશ્વાસ પ્રસ્થાપિત થયો. આવું એવા સમયે થયું જ્યારે વિશ્વનું અર્થતંત્ર વેન્ટીલેટર પર હતું, અને માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ હતી.
એ સમયે નોવેલ કોરોના વાઈરસ રોગચાળાને કારણે દુનિયાભરમાં 2.6 અબજથી પણ વધારે લોકો કોઈકને કોઈક રીતે લોકડાઉનની અસર હેઠળ હતા અને G-20 દેશોના અર્થતંત્રો પણ બંધ પડી ગયા હતા. આ રોગચાળો ફેલાયો હતો ચીનના હુબેઈ પ્રાંતના પાટનગર વુહાન શહેરમાંથી.
સિલ્વર લેક-જિયો સોદોઃ મોટે ભાગે ટેક કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરતી ખાનગી ઈક્વિટી કંપની સિલ્વર લેકે 4 મેએ જાહેરાત કરી કે એ રિલાયન્સની ડિજિટલ પ્લે સ્ટાર્ટ-અપમાં 75 કરોડ ડોલર અથવા રૂ. 5,655.75 કરોડ રોકશે, જેના બદલામાં સિલ્વર લેકને મળશે 1.15 ટકા હિસ્સો. આ ઈન્વેસ્ટમેન્ટથી જિયોની ઈક્વિટી વેલ્યૂ રૂ. 4.90 કરોડ થઈ અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ થઈ રૂ. 5.15 લાખ કરોડ.
સિલ્વર લેકના ઈન્વેસ્ટમેન્ટથી જિયોનું ઈક્વિટી વેલ્યૂએશન 12.5 ટકા થયું, જે ફેસબુકના ઈન્વેસ્ટમેન્ટ કરતા વધારે હતું. સિલ્વર લેક એક ટેક-ઈન્વેસ્ટર છે જે એરબીએનબી, અલીબાબા, એન્ટ ફાઈનાન્સિયલ, આલ્ફાબેટની વેરિલી અને વેમો યુનિટ્સ, ડેલ ટેક્નોલોજીસ અને ટ્વિટર જેવી વૈશ્વિક ટેક કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.
વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ સોદોઃ વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ કંપની વિસ્ટાએ જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદવા માટે જિયોને રૂ. 11,367 કરોડ અથવા 1.5 અબજ ડોલર આપ્યા. આ સોદાની જાહેરાત કરાઈ હતી 8 મેએ, જે પિતૃ RILના તે સમયના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનના 52 ટકા હતું.
જનરલ એટલાન્ટિક-જિયો સોદોઃ 17 મેએ, અમેરિકન ખાનગી ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે કહ્યું હતું કે તે ભારતીય ડિજિટલ સર્વિસીસ પ્લેટફોર્મ કંપની જિયોમાં 1.35 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 6,598.38 કરોડ અથવા 85 કરોડ ડોલર ચૂકવશે. આ ઈન્વેસ્ટમેન્ટથી જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ વધીને રૂ. 4.91 લાખ કરોડની થઈ અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ રૂ. 5.16 કરોડ થઈ.
ચાર અઠવાડિયામાં RILનો આ ચોથો સોદો હતો અને તે એવા સમયે થયો જ્યારે દુનિયાભરમાં અન્ય કોર્પોરેટ કંપનીઓ કર્મચારીઓના પગાર કાપવામાં કે સામુહિક ધોરણે છટણી કરવામાં ચિંતાગ્રસ્ત હતી.
KKR-જિયો સોદોઃ KKR કંપનીએ જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને 22 મેએ જિયો વેલ્યૂએશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપનીઓની હરોળમાં આવી ગઈ હતી. તેનું વેલ્યુએશન એરટેલ અને વોડાફોનને ભેગી કરીએ તો જે કદ થાય એના કરતાં પણ 1.7 ગણું વધારે મોટું હતું. રૂ. 11,367 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરીને KKR કંપનીએ જિયોની એન્ટરપ્રાઈઝ વેલ્યૂને 5.16 લાખ કરોડ કે 68.37 અબજ ડોલર સુધી વધારી દીધી.
આમ, રૂ. 78,562 કરોડનું ધરખમ મૂડીરોકાણ મેળવ્યા પછી પણ RIL 38 કરોડ 80 લાખ ધારકો ધરાવતી જિયો કંપનીમાં 83 ટકાનો હિસ્સો ધરાવે છે. એમ કહેવાય કે, જિયો જો કોઈ દેશ હોય તો દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો ત્રીજા નંબરનો બને. તેથી ઈન્વેસ્ટરો અબજો ડોલર આમાં રોકે છે એમાં આશ્ચર્યની કોઈ જ વાત નથી.