2022ના આરંભમાં જેટ એરવેઝની ડોમેસ્ટિક-ફ્લાઈટ્સ ફરી શરૂ

મુંબઈઃ જેટ એરવેઝ આવતા વર્ષે એરપોર્ટ્સ પર પુનરાગમન કરશે. જાલન કેલરોક કોન્સોર્ટિયમે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ એરલાઈન આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેની ઘરેલુ વિમાન સેવા ફરી શરૂ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. જેટ એરવેઝની વિમાન સેવા ત્રણ વર્ષથી બંધ છે, પરંતુ હવે તે કમબેક કરવાની છે, કારણ કે મુંબઈ અને નવી દિલ્હી વચ્ચે તે એક ફ્લાઈટ ફરી શરૂ કરવા ધારે છે. લંડનસ્થિત જાલન કેલરોક કોન્સોર્ટિયમના વડા મુરારી જાલને કહ્યું છે કે જેટ એરવેઝ તેની આંતરરાષ્ટ્રીય વિમાન સેવા 2022ના બીજા હાફમાં અથવા ત્રીજા કે ચોથા ક્વાર્ટરમાં ફરી શરૂ કરશે. હાલ જેટ એરવેઝ સત્તાવાળાઓ તથા એરપોર્ટ સંકલનકારો સાથે મળીને સ્લોટની ફાળવણી તથા અન્ય બાબતોને આખરી સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. એરલાઈન ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવા માટે સાંકડી-બોડીવાળા વિમાનોને ઉતારશે.

વિમાન સેવા ફરી શરૂ કરવા માટે એરલાઈન હાલના એર ઓપરેટર સર્ટિફિકેટનો જ ઉપયોગ કરશે. નાણાકીય કટોકટીને કારણે જેટ એરવેઝની સેવાઓને 2019ના એપ્રિલથી બંધ કરી દેવામાં આવી છે. એરલાઈનને પુનર્જિવીત કરવા માટેના પ્રયાસો ચાલુ છે.