નવી દિલ્હીઃ મંદીની આશંકા વચ્ચે વિશ્વભરની કંપનીઓમાં છટણીનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. IT સેક્ટરની દિગ્ગજ કંપની એક્સેન્ચર (Accenture) પણ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું હતું કે કંપની 19,000 કર્મચારીઓની છટણી કરશે. એ કંપનીના વર્કફોર્સના આશરે 2.5 ટકા બરાબર છે. એક્સેન્ચરે આ છટણી માટે વૈશ્વિક આર્થિક આઉટલુકને જવાબદાર ગણાવી હતી.
આ સિવાય કંપનીએ આ ચિંતાની વચ્ચે વાર્ષિક આવક ને નફાના અંદાજોને ઓછા કરી દીધા છે. મંદીથી ચાલતી એન્ટરપ્રાઇઝીસ ટેક્નોલોજી બજેટમાં કાપ કરશે. કંપનીને હવે અપેક્ષા છે કે લોકલ કરન્સીમાં વાર્ષિક આવકનો ગ્રોથ આઠ ટકાથી 10 ટકાની વચ્ચે હશે, જ્યારે પહેલાં એ આઠ ટકાથી 11 ટકા હતી.
એક નિવેદનમાં કંપનીએ કહ્યું હતું કે કંપની હાલના વર્કફોર્સમાં 2.5 ટકાની નજીક કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માગે છે. કંપનીએ કહ્યું હતું કે અડધાથી વધુ છટણી નોન-બેલેબલ કોર્પોરેટ ફંક્શનમાં કરવામાં આવશે. કંપનીના આ નિર્ણય પછી એક્સેન્ચરના શેરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીએ ઓપરેશનને સ્ટ્રીમલાઇન કરવા, નોન-બેલેબલ કોર્પોરેટ ફંક્શનને ટ્રાન્સફોર્મ કરવા અને ઓફિસ સ્પેસના કોન્સોલિડેશન માટે પગલા લઈ રહી છે, જેનાથી ખર્ચમાં કાપ કરી શકાય.
હાલમાં એમેઝોને 9000 લોકોની છટણી કરવાનું એલાન કર્યું હતું. ગયા સપ્તાહે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણી કરવાનું એલાન કર્યું હતું.