કેટલીક ‘સાત્ત્વિક-સર્ટિફાઈડ’ ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન મળશે

નવી દિલ્હીઃ ધાર્મિક સ્થળોને જોડતા રૂટ્સ પર દોડાવવામાં આવતી કેટલીક ટ્રેનોને ટૂંક સમયમાં જ ‘સાત્ત્વિક સર્ટિફાઈડ’ જાહેર કરીને ભારતીય રેલવેની કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ‘શાકાહારી-અનુકૂળ પ્રવાસ’ને પ્રોત્સાહન આપશે. સાત્ત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક અખબારી યાદીમાં આમ જણાવવામાં આવ્યું છે. ‘સાત્ત્વિક સર્ટિફિકેશન’ માટે ભારતીય રેલવેએ આ સંસ્થા સાથે સહયોગ કર્યો છે. જોકે આ વિશે IRCTC તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સાત્ત્વિક કાઉન્સિલના જણાવ્યા મુજબ, દેશના ધાર્મિક સ્થળોના પ્રવાસે જતા શાકાહારી લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને વીગન પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે કેટલીક ટ્રેનોને સાત્ત્વિક સર્ટિફાઈ કરવામાં આવશે. જેમ કે, IRCTC હાલ દિલ્હી અને કટરા વચ્ચે જે વંદે ભારત એક્સપ્રેસ દોડાવે છે તે સાત્ત્વિક સર્ટિફાઈડ છે. સાત્ત્વિક કાઉન્સિલ અને IRCTC સાથે મળીને ટ્રેનોમાં શાકાહારી રસોડું (કીચન)ને લગતી એક હેન્ડબૂક પણ તૈયાર કરશે. વૈષ્ણોદેવી મંદિર માટે કટરા જતી વંદે ભારત એક્સપ્રેસની જેમ દેશમાં આશરે 18 ટ્રેનોને સાત્ત્વિક સર્ટિફાઈડ ઘોષિત કરવામાં આવશે જેમાં માત્ર શાકાહારી ભોજન અને ખાદ્યપદાર્થો જ મળશે. શાકાહારી-અનુકૂળ પ્રવાસ યોજના અંતર્ગત IRCTCના બેઝ-કીચન, એક્ઝિક્યૂટિવ લાઉન્જ, બજેટ હોટેલ્સ, ફૂડ પ્લાઝા, પ્રવાસ તથા ટૂર પેકેજીસ, રેલ નીર પ્લાન્ટ્સ – આ બધું સાત્ત્વિક સર્ટિફાઈડ હશે.