ભારત તેલ સંશોધન, ઉત્પાદન મોટા પાયે વધારશે

અબુધાબીઃ કેન્દ્રના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, હાઉસિંગ અને શહેરી બાબતોના ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરીએ અહીં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત 2025ની સાલ સુધીમાં નવા વિસ્તારોમાં મોટા પાયે તેલ સંશોધન અને ઉત્પાદન કરવાનું છે.

અબુ ધાબી ઈન્ટરનેશનલ પેટ્રોલિયમ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સમાં પુરીએ એમ પણ કહ્યું હતું કે ભારત તેના ઈશાન ભાગમાં તેલ અને ગેસ ઉત્ખનન ક્ષેત્રોની સંખ્યા ડબલ કરવાનું છે. હાલ અમે ત્યાં 30,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં તેલ-વાયુ સંશોધન કામ કરીએ છીએ, પણ અમે વિસ્તારની સંખ્યા 60,000 સ્ક્વેર કિ.મી. કરવાના છીએ. ભારતમાં ગેસ પાઈપલાઈન નેટવર્ક પણ 34,000 કિ.મી. સુધી વિસ્તારવામાં આવશે.