મુંબઈઃ ગયા અઠવાડિયે સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. એની પાછળ અનેક કારણો છે. જેમ કે, ભારત અને ચીન વચ્ચે સરહદ પર હાલ પ્રવર્તતી તંગદિલી, દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો અને રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતી. જોકે સોનું એના વિક્રમી સ્તર કરતાં નીચે આવ્યું છે. એણે તેની વિક્રમી સપાટીથી લગભગ 4,800 રૂપિયાનું ગડથોલિયું ખાધું છે. આમ છતાં સોનાની કિંમતમાં ફરીથી તેજી આવવાની સંભાવના સર્જાઈ છે.
ચાંદીની કિંમત પર નજર કરીએ તો એ પણ રૂ. 76,000ના ભાવથી ઉતરીને રૂ. 65,400ની આસપાસ આવી ગઈ છે. પરંતુ બજારના નિષ્ણાતો સોના-ચાંદીમાં તેજી આવવાની સંભાવના વ્યક્ત કરે છે.
અનિશ્ચિતતાનું વાતાવરણ
હાલ કોરોનાના અનેક કેસ બની રહ્યા છે. સરહદ પર ભારત અને ચીન વચ્ચેની તંગદિલી ઘટવાનું નામ લેતી નથી. ભારતીય અર્થતંત્ર હાલ મુશ્કેલ હાલતમાં છે. દેશમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આવી પરિસ્થિતિમાં સોનાની કિંમતને લાભ મળી શકે છે. વાસ્તવમાં, ઈન્વેસ્ટરો સંકટના સમયમાં સોનામાં ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરતા હોય છે, કારણ કે આને સુરક્ષિત માનવામાં આવે છે. કોરોના સંકટ સર્જાયું એની શરૂઆતથી જ સોનામાં તેજી આવી હતી અને સોનું વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ અર્થતંત્ર ધીમે ધીમે ખુલ્લું મૂકાતાં સોનાના ભાવમાં થોડોક ઘટાડો આવ્યો. પરંતુ, હવે વર્તમાન સંજોગોને કારણે એનો ભાવ ફરી ઊંચે જઈ શકે છે.
રૂ. 68,000 સુધી જઈ શકે છે
સોનું હાલ રૂ. 51,441ના ભાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાનો ભાવ એક વર્ષમાં રૂ. 68,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. એફડીના વ્યાજદરમાં ઘટાડો થવાથી અને શેરબજારમાં મૂડીરોકાણ કરવામાં જોખમ જેવા કારણોને લીધે ઈન્વેસ્ટરો ફરી સોના તરફ આકર્ષાઈ રહ્યા છે. આનું એક મુખ્ય કારણ છે સોના પર મળતું રિટર્ન. ઈન્વેસ્ટરોને સોનાએ ઘણો ફાયદો કરાવી આપ્યો છે. ગયા એક વર્ષમાં સોનાએ લગભગ 30 ટકાથી પણ વધારે રિટર્ન અપાવ્યું છે.
ઈ-ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે
જાણકારોના કહેવા મુજબ, ચીન, ભારત ઉપરાંત અમેરિકા પણ તંગ હાલતમાં છે. ત્યાં પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. ત્યાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. આવા સંકટના સમયે ત્યાં પણ ઈન્વેસ્ટરો સોનામાં મૂડીરોકાણ કરવાનું સુરક્ષિત માને છે. હાલના સમયે લોકો ઘરમાં બેસીને જ ઈ-ગોલ્ડના માધ્યમથી સોનામાં નાણાં રોકી રહ્યાં છે. ઈ-ગોલ્ડનો ટ્રેન્ડ ખાસ્સો એવો વધ્યો છે. એને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે.