ઇરડાની મંજૂરી વગર વીમા-કંપનીઓ પ્રોડક્ટ લોન્ચ કરી શકશે

નવી દિલ્હીઃ વીમા કંપનીઓ આરોગ્ય અને બધા સામાન્ય વીમાની પ્રોડક્ટ્સ વીમા નિયામક ઇરડાની મંજૂરી વગર હવે રજૂ કરી શકશે. દરેક ભારતીયને વીમામાં આવરી લેવાના ઉદ્ધેશથી ઇરડાએ યુઝ અને ફાઇલ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. ઇરડાના આ પગલાથી વીમા કંપનીઓને વેપાર કરવામાં સરળતા રહેશે. બીજી બાજુ વધુ ને વધુ લોકોનો વીમામાં સમાવેશ કરવામાં મદદ મળી રહેશે.

ઇરડાના નિયમોમાં ફેરફાર કરવાથી આરોગ્ય અને લગભગ બધી જનરલ વીમા ઉત્પાદનોનો બજારમાં રજૂ કરવા માટે વીમા નિયામકની મંજૂરી લેવી જરૂરી નહીં રહે. ઇરડાના આ પગલાથી વધુ ને વધુ વીમા પ્રોડક્ટ બજારમાં આવશે. વીમા કંપનીઓએ ઇરડાના આ પગલાને આવકાર્યું હતું. ઇરડાના આ પગલા પર પ્રતિક્રિયા આપતાં બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સના MD અને CEO તપન સિંઘલે કહ્યું હતું કે આ એક ક્રાંતિકારી પગલું છે. આ પગલાથી વીમા કંપનીઓને ઇનોવેટિવ પ્રોડક્ટને બજારમાં લાવવાની મદદ મળશે.

ઇરડાના નિયમોમાં ફેરફાર કરવાથી હવે ઝડપથી વીમા પ્રોડક્ટ બજારમાં આવશે, એમ સિક્યોર-નાઉના સ્થાપક કપિલ મહેતાએ કહ્યું હતું. એડલવાઇઝ જનરલ ઇન્શ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO સાહની ઘોષે આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું હતું કે ઇરડાએ વીમા કંપનીઓના કામ આડેની એક મોટી અડચણ દૂર કરી છે. હવે નવી વીમા પ્રોડક્ટ રજૂ કરવામાં સરળતા રહેશે. જોકે વીમા કંપનો પર ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી વધી જશે.