વોશિંગ્ટનઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ મંગળવારે કહ્યું હતું કે દેશમાં 31 માર્ચને પૂરા થતા નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 6.8 ટકાથી ઘટીને પાંચ ટકા રહે એવી શક્યતા છે, જ્યારે વર્ષ 2024માં એ વધુ ઘટીને ચાર ટકા સુધી આવી શકે છે. અન્ય દેશોની જેમ ભારતમાં મોંઘવારા 2022માં 6.8થી ઘટીને 2023માં પાંચ ટકા આવવાનો અંદાજ છે અને 2024માં એ ચાર ટકા સુધી આવે એવી સંભાવના છે, એમ IMFના રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડિવિઝન ચીફ ડેનિયલ લીએ પત્રકારોને જણાવ્યું હતું.
IMF દ્વારા મંગળવારે જારી કરેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટ મુજબ વિશ્વના 84 ટકા દેશોમાં 2022ની તુલનામાં 2023માં ફુગાવો નીચલા સત્રે રહેવાનો અંદાજ છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક અપડેટ અનુસાર વૈશ્વિક ફુગાવો 2022 (વાર્ષિક સરેરાશ)ના 8.8 ટકાની તુલનાએ 2023માં 6.6 ટકા તથા 2024માં 4.3 ટકા રહેવાનો અંદાજ છે. જે કોરોના રોગચાળો ફેલાવવા પહેલાં (2017-19)ના સ્તરે 3.5 ટકાથી વધુ રહેશે.
IMF અનુસાર વિકસિત અર્થતંત્રોમાં વાર્ષિક સરેરાશ મોંઘવારી 2022ના 7.3 ટકાથી ઘટીને 2023માં 4.6 ટકા અને 2024માં 2.6 ટકા હોવાનો અંદાજ છે. જે મોટા ભાગના મામલામાં લક્ષ્યથી વધુ છે. IMFએ કહ્યું હતું કે ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રમાં અંદાજિત વાર્ષિક ફુગાવો 9.9 ટકાથી ઘટીને 2023માં 8.1 ટકા અને 2024માં 5.5 ટકા થયો છે, જે કોરોના રોગચાળા પહેલાના દોરમાં (2017-19)ની સરેરાશ 4.9 ટકાથી વધુ છે.