ભારતના આ પગલાંથી અમેરિકાને થશે 90 કરોડ ડોલરનું નુકસાન

નવી દિલ્હી– ભારતીય કૃષિ ઉત્પાદનોની આયાત પર અમેરિકાએ લાગુ કરેલા ટેરિફ (ચાર્જ) ના જવાબમાં ભારત પણ અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ લાગુ કરી શકે છે. જેમાં સફરજન, બદામ, અને દાળનો સમાવેશ થાય છે. અમેરિકાની એક સંસદીય રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ભારતના પગલાથી અમેરિકાની નિકાસ પર 90 કરોડ ડોલરની અસર પડશે. ગત વર્ષે ભારતે અમેરિકાના સફરજન,બદામ, અખરોટ અને દાળો પર આયાત ટેરિફમાં વધારો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ નિર્ણય સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓ પર આયાત શુલ્ક લાગુ કરાયા બાદ લેવામાં આવ્યો હતો.

જોકે, ભારત એક માત્ર એવો દેશ છે, જે જવાબી ટેરિફ લાગુ કરવામાં વિલંબ કરે છે. આ ટેરિફ લાગુ કરવાની જાહેરાત છ મહિના પહેલા જ કરવામાં આવી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારત અમેરિકાની ચીજવસ્તુઓ પર આયાત કર લગાવ્યો છે.

અમેરિકાની સીઆરએસ એ તેમના રિપોર્ટમાં કહ્યું હતું કે, ચીન, યુરોપીય સંઘ, તુર્કી, કેનેડા અને મેક્સિકોની જવાબી શુલ્ક હેઠળ 800થી વધુ અમેરિકન ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

સીઆસએસ એ ટ્રમ્પ સરકાર દ્વારા આયાત કર લાગુ કરવાની પ્રતિક્રિયા પર તેમના રિપોર્ટમાં કહ્યું છે કે, ભારત અને અમેરિકા ખાદ્ય તેમજ કૃષિ ઉત્પાદનો પર આયાત ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. જોકે બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને જોતા આ પહેલા પણ ટેરિફ લાગુ કરવાની તારીખને લંબાવવામાં આવી છે, અને હવે આગામી 31 જાન્યુઆરી 2019ની તારીખ નક્કી કરવામાં આવી છે.

સીઆરએસ એ કહ્યું કે, અમિરિકાએ ભારતને 2017માં કુલ 1.8 અબજ ડોલરના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરી હતી. ભારતે જે ઉત્પાદનો પર આયાત ડ્યુટી લાગુ કરવાનું નક્કી કર્યું છે, તેની કિંમત 85.7 કરોડ ડોલર છે. અમેરિકાના ખાસકરીને બદામનું ઉત્પાદન કરતા ખેડૂતો ભારતની આયાત ડ્યૂટીની ઘમકીને મહેસૂસ  કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, ચીન, કેનેડા, યુરોપીય યૂનિયન, સાઉદી અરબ, અને તુર્કીએ પણ અમેરિકાના ઉત્પાદનો પર જવાબી આયાત ડ્યૂટી લાગુ કરવાની જાહેરાત કરી છે. આ દેશોએ અમેરિકાના કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યૂટી વધારી દીધી છે. ચીન, તુર્કી, ઈયુ, કેનેડા, અને મેક્સિકોએ લગભગ 800 વસ્તુઓ પર આયાત ડ્યૂટી લાગુ કરી છે.