ભારતનું ફોરેક્સ રિઝર્વમાં નોંધાયો ઘટાડો, છ મહિનાના તળીયે પહોંચ્યું

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 22મી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયાણની અનામતો 1.31 અબજ ડોલરનો ઘટીને 656.58 અબજ ડોલર થઈ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેર બજારોમાંથી અવિરત ધૂમ વેચવાલીના પરિણામે અને અમેરિકી ડોલર સામે રૂપિયાના સતત થઈ રહેલા પતને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂપિયાને સપોર્ટ આપવા મોટા પ્રમાણમાં અમેરિકી ડોલર વેચવા લાગતાં ભારતના ફોરેક્સ રિઝર્વમાં પણ સતત ઘટાડો નોંધાયો છે.

સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ બે અબજ ડોલર જેટલો ઘટીને 652.87 અબજ ડોલરની છ મહિનાની નીચી સપાટી નજીક આવી ગયું હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા દર્શાવે છે. અત્રે નોંધનીય છે કે, ફોરેક્સ રિઝર્વમાં 6 ડિસેમ્બરના પૂરા થયેલા સપ્તાહમાં 3.2 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે 27 સપ્ટેમ્બરના 2024ના રેકોર્ડ પ્રમાણે 704.89 અબજ ડોલરની ઊંચી સપાટીએ હતું. જે અત્યાર સુધીમાં બાવન અબજ ડોલર ઘટી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પાછલા દિવસોમાં અવાર નવાર ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરી રિઝર્વમાંથી ડોલર વેચી રહ્યાના અને એના કારણે પણ રિઝર્વમાં ઘટાડો થયો છે. પાછલા સપ્તાહમાં યુઆન નબળો પડવાના દબાણમાં અને ફોરવર્ડ માર્કેટમાં ડોલરની મજબૂતી સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટતો રહી 84.88ની ઓલ ટાઈમ નીચી સપાટીએ ગયો હતો. ડોલર સામે રૂપિયો આ સપ્તાહમાં આજે શુક્રવારે 20 ડિસેમ્બરના 85.11ના નવા  તળીયે આવી ગયા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દરમિયાનગીરી કરી ડોલર માર્કેટમાં વેચ્યા હોવાના અહેવાલ હતા.