ભારતથી ચીનની નિકાસમાં 34 ટકાનો ઉછાળો થયો

નવી દિલ્હીઃ કોરોના રોગચાળામાં વર્ષ 2021માં ભારતની ચીનમાં નિકાસ વર્ષ 2019ની તુલનામાં આશરે 34 ટકા વધીને 22.9 અબજ ડોલરે પહોંચી છે. વર્ષ 2019માં એ આંકડો 17.1 અબજ ડોલર રહી હતી. આ સમયગાળામાં ભારતની ચીનથી આયાત 28 ટકા વધીને 87.5 અબજ ડોલર થઈ હતી, જે વર્ષ 2019માં 68.4 અબજ ડોલર રહી હતી, એમ વેપાર મંત્રાલયે જારી આંકડામાં જણાવ્યું છે.

આ પ્રકારે ભારત અને ચીનની વચ્ચે વેપાર ખાધ વર્ષ 2021માં વધીને 64.5 અબજ ડોલર હતી, જ્યારે 2019માં એ 51.2 અબજ ડોલરના સ્તરે હતી. વર્ષ 2021માં ભારતની ચીનને નિકાસ અને ચીનથી આયાતની તુલનામાં વધુ ઝડપથી વધી છે, એમ વેપાર વિશેષજ્ઞોએ કહ્યું હતું. હજી ભારતીય નિકાસકારોને ચીનમાં નિકાસ કરવાની ભરપૂર સંભાવના છે, એમ ભારતીય નિકાસ સંગઠનના ઉપાધ્યક્ષ ખાલિદ ખાને કહ્યું હતું.

ચીનથી રો મટીરિયલ, ઇન્ટરમિડિયેટ્સ ગુડ્સ, કેપિટલ ગુડ્સની આયાતમાં પણ ઉછાળો નોંધાયો છે. જોકે કન્ઝ્યુમર ગુડ્સની આયાતમાં ઘટાડો નોંધાયો છે. 2019માં એમાં 14.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકા પછી ચીન સાથે 110.4 અબજ ડોલરના વેપાર થયા હતા.

એપ્રિલથી ડિસેમ્બર 2021-22માં નિકાસ 49.66 ટકા વધીને 301.38 અબજ ડોલર થઈ હતી.  આ સમયગાળા દરમ્યાન આયાત 68.91 ટકા વધીને 443.82 અબજ ડોલર થઈ હતી. જેથી વેપાર ખાધ 142.44 અબજ ડોલર થઈ હતી.