નવી દિલ્હીઃ દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. યુવાઓની વચ્ચે ક્રેડિટ કાર્ડને લઈને ઘણો ક્રેઝ છે. દેશમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સના ખર્ચમાં આ વર્ષે જુલાઈમાં ગયા વર્ષની તુલનાએ 19 ટકાનો વધારો થયો છે. દેશભરમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સ દ્વારા કરવામાં આવેલો કુલ ખર્ચ રૂ. 1.7 લાખ કરોડે પહોંચ્યો છે. આ વધારો ક્રેડિટ કાર્ડ પર વધતી નિર્ભરતાનો ટ્રેન્ડ બતાવે છે, એમ SBI સિક્યોરિટીઝનો એક રિપોર્ટ કહે છે.
અહેવાલ કહે છે કે ક્રેડિટ કાર્ડમાં વાર્ષિક ધોરણે 39 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. જુલાઈ, 2024માં કુલ 38.4 કરોડ લેવડદેવડ થઈ છે. ક્રેડિટ કાર્ડ થકી લેવડદેવડમાં HDFC બેન્ક સૌથી આગળ છે, જેમાં ક્રેડિટ કાર્ડથી મહિને રૂ. 9.9 કરોડ લેવડદેવડ થઈ છે, જ્યારે ICICI બેન્ક 7.1 કરોડના વ્યવહારો સાથે બીજા ક્રમે છે અને SBIને 6.3 કરોડની લેવડદેવડ સાથે ત્રીજું સ્થાન મળ્યું છે.
જુલાઈમાં ક્રેડિટ કાર્ડના માધ્યમથી કુલ રૂ. 44,369 કરોડ, ICICI બેન્ક અને SBIના ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ. 34,566 કરોડ અને રૂ. 26,878 કરોડનો ખર્ચ થયો હતો. આ સિવાય એવરેજ ટ્રાન્ઝેક્શન્સ વેલ્યુ (ATV) પણ જુલાઈમાં માસિક ધોરણે 1.4 ટકા વધી હતી, જે 10 મહિનામાં ATVમાં પહેલી વૃદ્ધિ છે. રિપોર્ટ કહે છે કે કેટલોક સમય સુસ્તી રહ્યા પછી લોકો હવે મોટી માત્રામાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ વધુ કરી રહ્યા છે.
રિઝર્વ બેંકે કાર્ડ જારી કરતી બેંકો અને અન્ય સંસ્થાઓને અન્ય નેટવર્કનો ઉપયોગ કરવા સંબંધિત વિશિષ્ટ કરારો પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સેન્ટ્રલ બેંકે એક સમીક્ષા બાદ આ કાર્યવાહી કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે કેટલાક કાર્ડ નેટવર્ક અને તેને જારી કરનાર સંસ્થા વચ્ચે થયેલા કરારોને કારણે ગ્રાહકોને પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવી નથી. નવા નિયમો 6 સપ્ટેમ્બર, 2024થી અમલમાં આવશે.