નવી દિલ્હીઃ મિશન રફ્તાર 2022 માટે રેલવેએ સ્પીડ પોલિસી ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. આ અંતર્ગત બનનારા નવા ટ્રેકને એવી રીતે બનાવવામાં આવશે કે 160 કિલોમીટરની ગતિવાળી ટ્રેનો સરળતાથી અહીંયાથી પસાર થઈ શકે. આ નવી લાઈન પર કોઈ લેવલ ક્રોસિંગ પણ નહીં હોય. આ ફ્રેમવર્કમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે 160 કિલોમીટરથી વધારે સ્પીડવાળા એક્સક્લૂઝિવ કોરિડોર પર પણ વિચાર કરવામાં આવશે અને આવા કોરિડોરને પીપીપી મોડ પર ચલાવી શકાય છે.
રેલવે બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા સ્પીડ પોલિસી ફ્રેમવર્ક અનુસાર સ્વર્ણિમ ચતુર્ભુજ અને ડાયગોનલ રૂટ્સને અપગ્રેડ કરવામાં આવશે જેથી તેના પર 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેન દોડી શકે જ્યારે બ્રોડગેજ નેટવર્ક પર 130 કિલોમીટરની સ્પીડથી ટ્રેન ચલાવવા માટે અપગ્રેડ કરવામાં આવશે.
બોર્ડે તમામ જનરલ મેનેજર્સને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે સ્પીડ વધારવા માટે જે પણ પગલા ભગવામાં આવશે તે રૂટ વાઈઝ હશે. તે રૂટ પર આખા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવામાં આવશે જેમાં ટ્રેક, સિગ્નલિંગ, ઓવરહેડ ઈલેક્ટ્રિસિટી, રોલિંગ સ્ટોક વગેરેનો સમાવેશ થશે.
રેલવે બોર્ડ અનુસાર નવી લાઈનનું કન્સ્ટ્રક્શન કરતા સમયે જે પણ ટ્રેક જિયોમેટ્રી તૈયાર થશે તેની સ્પીડ 160 કિલોમીટર હશે. એટલે કે નવા ટ્રેકની કેપેસિટી 160 કિલોમીટર હશે જ્યારે મીનિમમ પરમીશિબલ લિમિટ 130 કિલોમીટર હશે.