દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને કદાચ રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ અપાશે

નવી દિલ્હી – ભારતમાં વીજળીથી ચાલતા વાહનોને રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાંથી મુક્તિ આપવા વિશે કેન્દ્ર સરકાર વિચારી રહી છે.

સરકારે એવો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ઈલેક્ટ્રિક વાહનોને રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાંથી મુક્તિ આપવી જોઈએ.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે આ પ્રસ્તાવ કર્યો છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર ઈચ્છે છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે, કારણ કે સરકાર કાચા તેલની આયાતને ઘટાડવા માગે છે અને પેટ્રોલ-ડિઝલ જેવા ઈંધણથી હવામાં થતું પ્રદૂષણ ઘટાડવા માગે છે. આમ કરીને સરકાર 2015માં દુનિયાના દેશો વચ્ચે કરવામાં આવેલી પેરિસ ક્લાયમેટ ચેન્જ સમજૂતીમાં સહભાગી થતી વખતે ભારતે આપેલા વચનોનું પાલન કરવા માગે છે.

સૂચિત રજિસ્ટ્રેશન-ફી મુક્તિ સ્કૂટર, મોટરબાઈક, ઓટોરિક્ષા, કાર સહિત તમામ કેટેગરીનાં ઈલેક્ટ્ર્રોનિક વાહનોને લાગુ પડશે, એવું સરકારે જણાવ્યું છે.

સરકાર બે, ત્રણ, ચાર પૈડાંવાળા બેટરી ઓપરેટેડ વાહનો અથવા ઈલેક્ટ્રિક વેહિકલ્સ માટે રજિસ્ટ્રેશન ફી વસુલ કરવાનું રદ કરવા વિચારે છે. વધુ ને વધુ લોકો આવા વાહનોનો વપરાશ કરે અને પર્યાવરણનું રક્ષણ થાય એવી પદ્ધતિનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવા સરકાર વિચારી રહી છે.

આને માટે સેન્ટ્રલ મોટર વેહિકલ્સ રૂલ્સમાં ફેરફાર કરવો પડશે. સરકારે જે મુસદ્દો ઘડ્યો છે તે વિશે એણે સંબંધિત સંસ્થાઓ, એજન્સીઓ, કંપનીઓ તરફથી સૂચનો પણ મગાવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]