મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ખરીદી વધી હતી અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં 509 પોઇન્ટનો વધારો થયો હતો. ઇન્ડેક્સના વધેલા ઘટકોમાં સોલાના, ટ્રોન, કાર્ડાનો અને અવાલાંશ સામેલ હતા, જેમાં 3થી 6 ટકાની રેન્જમાં વધારો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન ફરીથી 1 ટ્રિલ્યન ડોલરના આંક સુધી પહોંચી ગયું હતું.
દરમિયાન, પ્રાપ્ત અહેવાલ અનુસાર ભારતમાં ડિજિટલ એસેટ્સનું નિયમન કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર ઘડવા માટે જી-20 સમૂહના દેશો સાથે ચર્ચાવિચારણા શરૂ કરવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિયેવા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં ક્રીપ્ટો એસેટ્સના નિયમન માટે સંયોજિત પ્રયાસ કરવાની આવશ્કતા છે.
બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી પેમેન્ટ્સ એપ – વાયરેક્સે એશિયા પેસિફિકમાં અને યુનાઇટેડ કિંગડમમાં પોતાની સર્વિસીસ પૂરી પાડવા માટે વિઝા સાથે લાંબા ગાળાનો કરાર કર્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.66 ટકા (509 પોઇન્ટ) વધીને 31,143 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,634 ખૂલીને 31,247ની ઉપલી અને 30,303 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.