ઊંચા વ્યાજદર, મોંઘવારીએ જર્મનીને મંદીમાં ધકેલ્યું

બર્લિનઃ વર્ષ 2023ના પ્રારંભના ત્રણ મહિનામાં જર્મનીનું અર્થતંત્ર 0.3 ટકા સંકોચાયું હતું. જર્મનીની ફેડરલ ડેટા એજન્સીએ એ માહિતી આપી હતી. આ પહેલાં વર્ષ 2022ના છેલ્લા ત્રણ મહિનામાં અર્થતંત્ર 0.5 ટકા સંકોચાયું હતું. સતત બે ત્રિમાસિક ગાળામાં નકારાત્મક વિકાસ બાદ જર્મન અર્થતંત્ર ટેક્નિકલ મંદીમાં ધકેલાયું છે.

યુક્રેન પર રશિયાના હુમલાને કારણે જર્મનીની ઊર્જાની ઊંચી કિંમતોથી ઝઝૂમી રહ્યું છે. એને કારણે મોંઘવારી અને વેપારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ઊર્જાની વધેલી કિંમતોએ દેશમાં મોંઘવારીનો દર વધારી દીધી છે. એપ્રિલમાં મોંઘવારી દર 7.2 ટકા હતો.

ઊંચી કિંમતો સતત જર્મનીના અર્થતંત્ર પર એક બોજ છે, જે વર્ષના પ્રાંરંભમાં પણ જારી છે. ઊંચી કિંમતોની અસર સામાન્ય લોકો પર પડી છે. જેથી સામાન્ય લોકોને દૈનિક ધોરણે ખાદ્ય પદાર્થો, કપડાં, જીતાં વગેરે ચીજવસ્તુઓના ખર્ચમાં કાપ કરવો પડી રહ્યો છે. બીજું માગમાં પણ ઘટાડો થયો છે.

LBBW બેન્કના વિશ્લેષક યેન્સ ઓલિવર નિકલાશે કહ્યું હતું કે વિકાસના આંકડા નકારાત્મકમાં આવવા એ કોઈ આશ્ચર્યજનક વાત નથી, કેમ કે આર્થિક સંકેત સતત નબળા થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રારંભના સંકેતોથી એ સ્પષ્ટ છે કે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળો આ પ્રકારે વધુ નબળો પડશે.

જર્મની સલાંબા સમયથી રશિયાથી ઊર્જાની આયાત પર નિર્ભર છે. જોકે યુક્રેન હુમલા પછી એની ઊર્જાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગેસનો સપ્લાય પણ સતત ઘટી રહ્યો છે અને જર્મનીએ મજબૂર થઈને અન્ય સ્રોતો તરફ નજર દોડાવી પડી રહી છે. આ મંદીએ જર્મનીના ખેડૂતોની કમર પણ ભાંગી નાખી છે.