અમદાવાદ– અમદાવાદની ખુબ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ હેવમોર આઈસ્ક્રીમ લિમિટેડને સાઉથ કોરિયન કંપની લોટે કન્ફેક્શનરી(LOTTE) એ ખરીદી લીધી છે. આ સોદો રૂપિયા 1020 કરોડમાં થયો છે. લોટે કન્ફેક્શનરીએ તેના બોર્ડની બેઠકમાં 23 નવેમ્બરે હેવમોર આઈસ્ક્રીમના 100 ટકા શેર ખરીદવાનો નિર્ણય કર્યો, અને તેને મંજૂરી પણ મળી હતી, આ સોદો એક અઠવાડિયામાં પુરો કરવામાં આવશે.
જાણકારી મળ્યા મુજબ બન્ને વચ્ચે સોદો હેવમોર માત્ર આઈસ્ક્રીમ બિઝનેસ માટે થયો છે. ગુજરાતમાં હેવમોર તેની રેસ્ટોરા અને ઈટરીઝની સિગ્નેચર ચેઈન ઉપરાંત કન્સેપ્ટ કાફે, હુબર એન્ડ હોલી ચાલુ રાખશે.
હેવમોર અમદાવાદમાં તેની હેડ ઓફિસ ધરાવે છે અને હેવમોર કંપની 1944માં શરૂ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષથી હેવમોર બ્રાન્ડ વધુ પ્રખ્યાત થઈ હતી. ભારતના 14 રાજ્યોમાં તેનો આઈસ્ક્રીમ વેચાઈ રહ્યો છે. કંપની 150 પ્રકારના આઈસ્ક્રીમ બે પ્લાન્ટમાં ઉત્પાદન કરે છે, અને 30,000થી વધુ ડીલરો દ્વારા વેચાય છે.
જ્યારે લોટી કન્ફેક્શનરી એ એક કોરિયન ફૂડ એન્ડ બેવરેજીસ કંપનીએ ભારતમાં 2003માં પ્રવેશી હતી. પણ હવે તે ભારતમાં આઈસ્ક્રીમ બિઝનેસને વિકસાવવા માંગે છે.
હેવમોર આઈસ્ક્રીમ કંપનીના અધ્યક્ષ પ્રદીપ ચોના અને મેનેજિંગ ડીરેક્ટર અંકિત ચોનાએ આ સોદા અંગે કહ્યું હતું કે ‘આ નિર્ણય લેવો એ અમારા માટે ખુબ મુશ્કેલ કામ હતું. આ બ્રાન્ડ સાથે અમે અને અમારી ટીમે 73 વર્ષથી કામ કર્યું છે, અને તેને આગળ લઈ જવા મહેનત કરી છે. પણ હવે અમે માનીએ છીએ કે લોટે કન્ફેક્શનરી કંપનીને વધુ આગળ લઈ જવા માટે યોગ્ય બ્રાન્ડ છે’.