શેરબજારમાં છઠ્ઠા દિવસે તેજીઃ સેન્સેક્સ વધુ 26 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. જો કે આજે લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ વચ્ચે બેઉ બાજુની વધઘટ જોવા મળી હતી. તેમ છતાં બીએસઈ સેન્સેક્સ 26.53(0.08 ટકા) વધી 33,588.08 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 6.45(0.06 ટકા) વધી 10,348.75 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ પ્લસ ખુલ્યા હતા. સતત છઠ્ઠા દિવસે પસંદગીના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી, જો કે કેટલાક હાઈપ્રાઈઝ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બપોર બાદ એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ થયા હતા. જેથી કેટલાક તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કરવા વેચવાલી કાઢી હતી. સાથે એફઆઈઆઈ કેટલાય દિવસથી નેટ સેલર છે, પણ તેની સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ખરીદી આવી રહી છે. જેથી માર્કેટમાં તેજીની આગેકૂચ જળવાઈ રહી છે.

  • બુધવારે એફઆઈઆઈએ રૂપિયા 441 કરોડની ચોખ્ખી વેચવાલી કાઢી હતી.
  • બુધવારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 837 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • ગત મોડી રાતે અમેરિકાનો ડાઉ જોન્સ 65 પોઈન્ટ ઘટી 23,526 બંધ હતો, નેસ્ડેક 7 પોઈન્ટ વધી 6386 બંધ હતો.
  • થોમસકુકની સબસિડીયરી કંપનીનો હિસ્સો વેચાયો હોવાના સમાચાર પાછળ થોમસ કુકના શેરમાં 6 ટકાની તેજી નોંધાઈ હતી.
  • એસઆઈએસના શેરમાં કંપની પરિણામ ધારણા કરતાં વધુ પ્રોત્સાહક આવતાં શેરના ભાવમાં 17 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • જેટ એરવેઈઝે 29 નવેમ્બરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, કોઈ મોટી જાહેરાત થવાની સંભાવના છે.
  • બેંકરપ્સીના કાયદામાં ફેરફારને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે.
  • આજે તેજી બજારમાં પણ ઓટોમોબાઈલ, બેંક, મેટલ જેવા સેકટરના શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
  • બીજી તરફ કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ જેવા સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 50.77 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 90.38 ઊંચકાયો હતો.
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાઃ ઈન્ફોસીસ ટેકનોલોજી(2.58 ટકા), સન ફાર્મા(1.77 ટકા), રીલાયન્સ(1.75 ટકા), આઈસર મોટર(1.46 ટકા) અને ટેક મહિન્દ્રા(1.45 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરોમાઃ આઈડિયા સેલ્યુલર(-2.39 ટકા), ડૉ.રેડ્ડી લેબ.(-2.30 ટકા), અદાણી પોર્ટ(-1.79 ટકા), બજાજ ઓટો(-1.47 ટકા) અને ગેઈલ(-1.31 ટકા).