નવી દિલ્હીઃ ગ્રાહકોને પૈસા જમા કરવા પ્રેરીત કરવા માટે એચડીએફસી બેંકે ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર 1 ટકા વધારી દીધો છે. હવે એચડીએફસી બેંકના ગ્રાહકોને 1 વર્ષથી વધારે સમય માટે જમા રકમ પર 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ મળશે જ્યારે 1 કરોડ રૂપીયાથી ઉપરની રકમ જમા કરાવનારા ગ્રાહક આનાથી પણ વધારે રિટર્ન પ્રાપ્ત કરી શકશે.
એચડીએફસી બેંકમાં અત્યારે ગ્રાહકોના 7.9 લાખ કરોડ રૂપીયા જમા છે. આ રકમ દેશની તમામ બેંકોમાં જમા ધનના 7 ટકા જેટલી છે. સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ ફેબ્રુઆરી મહિનામાં જમા રકમ પર વ્યાજદરમાં 50 બેઝિસ પોઈંટ્સની વૃદ્ધિ કરી હતી. અત્યારે બીજી બેંકો પાસેથી પણ વ્યાજદર વધારવાની આશાઓ રાખવામાં આવી રહી છે.
રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર 30 માર્ચ 2018ના રોજ બેંકોમાં કુલ 115 લાખ કરોડ રૂપીયા જમા હતા. જમા રકમમાં વૃદ્ધિની દ્રષ્ટીએ આ માત્ર 6.7 ટકા રહી જ્યારે ગત નાણાકિય વર્ષમાં આ આંકડા 15.3 ટકા પર હતા. આ દરમિયાન બેંકોએ 10.3 ટકાની વૃદ્ધિ સાથે કુલ 87 લાખ કરોડ રૂપીયાનીં લોન આપી હતી. આપને જણાવી દઈએ કે ગત નાણાકિય વર્ષમાં લોન આપવાની ટકાવારી 8.2 ટકા જેટલી હતી.