F&O એક્સપાયરીના દિવસે શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 212 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ – શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતોને પગલે તેજીવાળા ખેલાડીઓએ ઈન્ડેક્સ બેઈઝ્ડ હેવી વેઈટ શેરોમાં નવી લેવાલી કાઢી હતી. પરિણામે માર્કેટમાં પ્રત્યાઘાતી ઘટાડો પચાવીને તેજી આગળ વધી હતી. આજે ખાસ કરીને એફએમસીજી અને આઈટી સેકટરના સ્ટોકમાં ભારે લેવાલીથી તેજીને સપોર્ટ મળ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 212.33(0.62 ટકા) ઉછળી 34,713.60 બંધ થયો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 47.25(0.45 ટકા) ઉછળી 10,617.80 બંધ રહ્યો હતો.આજે ગુરુવારે એપ્રિલ ફ્યુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ હતો. જેથી શોર્ટ કવરિંગને પગલે શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. બીજી તરફ સ્થાનિક નાણા સંસ્થાઓની સતત ખરીદી અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસમાં ટ્રેડ થયા હતા. આજની ટ્રેડિંગ સેશનમાં ટીસીએસ, ઈન્ડુસઈન્ડ બેંક, એચયુએલ, ઈન્ફોસીસ જેવા બ્લૂચિપ સ્ટોકમાં જોરદાર લેવાલીથી તેજી થઈ હતી, પરિણામે ઈન્ડેક્સ ઝડપથી વધ્યો હતો.

  • યસ બેંકના ચોથા કવાર્ટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે, યશ બેંકનો નફો 29 ટકા વધીને આવ્યો છે. જેથી યશ બેંકના શેરમાં નવી લેવાલીથી 10 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • વિપ્રોના ધારણા કરતાં નિરુત્સાહી પરિણામ આવ્યા હતા અને ગાયડન્સ પણ સ્થિર આપી હતી. વિપ્રોનો નફો 7 ટકા ઘટી રૂપિયા 1800 કરોડ આવ્યો હતો. આમ વિપ્રોના શેરમાં નફારૂપી વેચવાલી આવી હતી.
  • આજે તેજી બજારમાં કેપિટલ ગુડ્ઝ, હેલ્થકેર-ફાર્મા અને પીએસયુ સ્ટોકમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં મિશ્ર ટોન હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 3.47 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 45.79 પ્લસ બંધ હતો.
  • ટાટા એલેક્સનો નફો 12 ટકા વધ્યો છે, અન આવક 8.6 ટકા વધી છે.
  • એસબીઆઈ લાઈફનો નફો 13.4 ટકા વધ્યો
  • કેડિલા હેલ્થની દવાને યુએસ એફડીએની મંજૂરી મળી છે.