GSTમાં ઈ-વે બિલ પહેલી એપ્રિલથી અમલી બનાવવા ભલામણ

નવી દિલ્હી– ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ની વ્યવસ્થા અંતર્ગત ટ્રાન્સપોર્ટરો માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ પરિવહન માટે જરૂરી ઈલેક્ટ્રોનિક વે બિલનો ઉપયોગ પહેલી એપ્રિલથી લાગુ કરાય તેવી શકયતાઓ છે. જીએસટી કાઉન્સિલ દ્વારા રચિત રાજ્યોના નાણાંપ્રધાનોએ શનિવારે આ ભલામણ કરી છે.નાણાંપ્રધાનોના પ્રમુખ અને બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ કહ્યું છે કે 50,000 રુપિયાથી વધુના મૂલ્યના માલને આંતરરાજ્ય પરિવહન માટે જરૂરી એવી વ્યવસ્થા માટે તબક્કાવાર આ પદ્ધતિ લાગુ કરાશે. દેશમાં પહેલી જુલાઈ, 2017થી જીએસટીનો અમલ થયો છે. ત્યારે ટેકનિકલી નેટવર્ક તૈયાર ન થવાને કારણે ઈ-વે બિલની શરૂઆતને ટાળી દેવામાં આવી હતી.

તે પછી પહેલી ફેબ્રુઆરીએ તેને શરૂ કરવાની હતી. પણ સિસ્ટમ ક્રેશ થઈ જતાં તે વ્યવસ્થા ફરીથી પણ અમલી ન બની શકી. સુશીલ મોદીએ કહ્યું છે કે પ્રધાનોની સમિતીએ ભલામણ કરી છે તેના પર જીએસટી કાઉન્સિલની બેઠકમાં વિચાર કરાશે, જીએસટી કાઉન્સિલની બેઠક 10 માર્ચે મળશે. મનાઈ રહ્યું છે કે ઈ-વે બિલ અમલમાં આવતાં ટેક્સ ચોરી અટકશે અને સરકારની જીએસટીની આવકમાં 15-20 ટકાનો વધારો થશે.