નવી દિલ્હીઃ સામાન્ય બજેટ પહેલા જીએસટી કાઉન્સિલની બેઠકમાં રીયલ એસ્ટેટને જીએસટી અંતર્ગત લાવવા પર સહમતી સધાઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉન્સિલની હવે પછીની મીટિંગ 18 જાન્યુઆરીએ થશે. આ મીટિંગનો મહત્વનો એજન્ડા રીયલ એસ્ટેટ સેક્ટરને જીએસટીમાં લાવવા પર ચર્ચા કરવાનો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉંસીલની મીટિંગમાં રીયલ એસ્ટેટને નવી ટેક્સ સિસ્ટમ અંતર્ગત લાવવું તે મહત્વનો એજન્ડા હશે. આ મીટિંગ 18 જાન્યુઆરીએ નક્કી છે. આના પર કોઈ નિર્ણય બની શકે તેવી શક્યતાઓ નથી પરંતુ આમ છતા એક ગંભીર ચર્ચા થવાની શક્યતાઓ રહેલી છે.
દિલ્હી અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યો રીયલ એસ્ટેટને જીએસટી અંતર્ગત લાવવાને લઈને પ્રબળ ઈચ્છા ધરાવે છે. નવેમ્બરની શરૂઆતમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ રીયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મીટિંગ કરી હતી જેમાં પ્રાઈવેટ ડેવલપર્સની પ્રોપર્ટીઝને જીએસટી અંતર્ગત લાવવા માટે ચર્ચા થઈ હતી. આ પહેલા જીએસટી કાઉંસિલની 23મી મીટિંગ ગુવાહાટીમાં પણ યોજાઈ હતી જેમાં એવો નિર્ણય લેવાયો કે રીયલ એસ્ટેટને પણ ટેક્સેશન સિસ્ટમ અંતર્ગત લાવવું જોઈએ.