જીએસટી કાઉન્સિલની બેઠક 10 જાન્યુઆરીએ; બાંધકામ હેઠળના ફ્લેટ્સ પરનો વેરો ઘટશે?

નવી દિલ્હી – ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની હવે પછીની બેઠક 10 જાન્યુઆરીએ મળવાની છે. બાંધકામ હેઠળના ફ્લેટ્સ પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવાના મુદ્દે એમાં વિચારણા થશે.

સાથોસાથ, લઘુ અને મધ્યમ સ્તરના ઉદ્યોગજકોને પણ રાહત મળે એવી ધારણા છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ, કાઉન્સિલે ગઈ 22 ડિસેંબરની તેની બેઠકમાં જ 28 ટકાના ટેક્સ સ્લેબનું કદ ઘટાડી નાખ્યું હતું અને 23 પ્રકારના માલ અને સેવાઓ પરનો 28 ટકા ટેક્સ ઘટાડી દીધો હતો.

કાઉન્સિલની 10મીએ મળનારી બેઠક 32મી હશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી તે બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે.

જેટલીએ કહ્યું હતું કે અમે હવે પછીની બેઠકમાં રહેણાંક પ્રોપર્ટીઓ પરના કરવેરાને સુસંગત બનાવવા પર વિચારણા કરીશું. તેમજ માઈક્રો, સ્મોલ અને મીડિયમ સ્તરના ઉદ્યોગો માટેની ટોચમર્યાદા, જે હાલ રૂ. 20 લાખની છે તે વધારવા અંગે પણ વિચારીશું.

કેલામિટી સેસ (કુદરતી આફત વેરો) ઉપરાંત લોટરી પર જીએસટી દર અંગે પણ ચર્ચા થશે. બાંધકામ હેઠળના ફ્લેટ્સ તથા ઘરો પરનો જીએસટી ઘટાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

બાંધકામ હેઠળના ફ્લેટ/પ્રોપર્ટી અથવા એવા રેડી-ટુ-મૂવ ઈન ફ્લેટ્સ, જેને માટે વેચાણના સમયે કમ્પ્લિશન સર્ટિફિકેટ ઈસ્યૂ કરાયું ન હોય, તે માટેના પેમેન્ટ પર હાલ 12 ટકા જીએસટી વસૂલ કરવામાં આવે છે.

જીએસટી કાઉન્સિલ સમક્ષનો એક પ્રસ્તાવ એવો છે કે જીએસટી રેટ એવા બિલ્ડરો માટે ઘટાડીને પાંચ ટકા કરવો જેઓ રજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી 80 ટકા ઈનપુટ્સ ખરીદે.