ફેસ શિલ્ડ, સર્જિકલ માસ્ક, મેડિકલ ચશ્માની નિકાસમાં છૂટછાટ અપાઈ

નવી દિલ્હીઃ સરકારે ફેસ શિલ્ડ, કેટલાક પ્રકારના સર્જિકલ માસ્ક અને મેડિકલ ચશ્માની નિકાસના નિયમોમાં છૂટછાટ આપી છે, જેની કોરોના વાઇરસ રોગચાળાને કારણે સારી એવી માગ છે. સરકાર ફેસ શિલ્ડની નિકાસને સંપૂર્ણ રીતે મુક્ત કરી દીધી છે. કેટલીક શરતોની સાથે બે-ત્રણ પડવાળા સર્જિકલ માસ્ક અને મેડિકલ ચશ્માંની નિકાસની મંજૂરી આપી છે.

આ પહેલાં કોરોના વાઇરસ રોગચાળાનો કારણે 2-3 સ્તરવાળા સર્જિકલ માસ્ક, મેડિકલ ચશ્માં અને ફેસ શિલ્ડની નિકાસને પ્રતિબંધિત કરી દીધાં હતાં. આ માસ્ક અને ચશ્માંની નિકાસને પ્રતિબંધિત શ્રેણીમાંથી કાઢીને અવરોધિત શ્રેણીમાં સામેલ કરી દીધા હતા. એટલે કે આ ચીજવસ્તુઓની નિકાસ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)થી મંજૂરી લેવી પડતી હતી.   

DGFTએ એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે 2-3 સ્તરવાળા સર્જિકલ માસ્ક, મેડિકલ ચશ્માંની નિકાસની નીતિને પ્રતિબંધિત શ્રેણીથી અવરોધિત શ્રેણીમાં લાવવામાં આવી છે અને ફેસ શિલ્ડની નિકાસને મુક્ત શ્રેણીમાં લાવવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 2-3 સ્તરવાળા સર્જિકલ માસ્ક માટે પ્રતિ મહિને 20 લાખ યુનિટનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ ઉત્પાદનોની કોવિડ-19 રોગચાળાને કારણે ભારે માગ છે.