નવી દિલ્હીઃ 1 જૂલાઈ 2017ના રોજ લાગુ કરવામાં આવેલા જીએસટીથી સરકારે 2017-18ના સમયગાળા દરમિયાન 7.41 લાખ કરોડ રૂપીયા એકત્ર કર્યા છે. નાણામંત્રાલય દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્યોના ક્રમશઃ ઉત્પાદન શુલ્ક અને વેટ સહિત અન્ય ઘણા કરને જીએસટી સાથે જોડી દેવામાં આવ્યા છે. નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જીએસટી દ્વારા 2017-18ના ઓગષ્ટ અને માર્ચના સમયગાળામાં કુલ ટેક્સ કલેક્શન 7.19 લાખ કરોડ રૂપીયા રહ્યું હતું. જૂલાઈ 2017ના ટેક્સ કલેક્શનનો સમાવેશ કરવામાં આવે તો 2017-18માં કુલ જીએસટી સંગ્રહ હંગામી ધોરણે 7.41 લાખ કરોડ રૂપીયા રહ્યો.
આમા જીએસટીથી પ્રાપ્ત 1.19 લાખ કરોડ રૂપીયા, એસજીએસટીથી પ્રાપ્ત 1.72 લાખ કરોડ રૂપીયા આઈજીએસટીના 3.66 લાખ કરોડ રૂપીયા અને સેસમાંથી પ્રાપ્ત થયેલા 62,021 કરોડ રૂપીયાનો સમાવેશ થાય છે. ઓગષ્ટ અને માર્ચ માસના સમયગાળા દરમિયાન સરેરાશ માસિક જીએસટી સંગ્રહ 89,885 કરોડ રૂપીયા રહ્યો. 2017-18ના 8 મહિનામાં રાજ્યોને વળતર સ્વરૂપે કુલ 41,147 કરોડ રૂપીયા આપવામાં આવ્યા.
જીએસટી કાયદા અંતર્ગત આ નવી કર વ્યવસ્થાના કારણે 5 વર્ષ સુધી રાજ્યોની રેવન્યુમાં ઘટાડો થયો જેની ભરપાઈ કેન્દ્ર સરકાર કરશે. આના માટે લક્ઝૂરીયસ અને હાર્મફૂલ કન્ઝ્યૂમર ગૂડ્સ પર વિશેષ સેસ લાગુ કરવામાં આવ્યો છે. રેવન્યુમાં થયેલા ઘટાડાના કેલક્યુલેશન માટે 2015-16ના ટેક્સ ઈનકમને આધાર બનાવતા તેમાં વાર્ષિક સરેરાશ 14 ટકાની વૃદ્ધિને સામાન્ય સંગ્રહ માનવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર ગત 8 મહિનામાં પ્રત્યેક રાજ્યની રેવન્યૂમાં ઘટાડો થયો છે અને તે સરેરાશ 17 ટકા રહી છે.