નવી દિલ્હીઃ હવે જલ્દી જ તમે ગૂગલ પર સામાન ખરીદી અને વેચી શકશો. દિગ્ગજ ટેક કંપની ગૂગલે ભારતીય ગ્રાહકો માટે દેશમાં Google Shopping નું લોન્ચિંગ કર્યું છે. આમાં હવે ગ્રાહકો સરળતાથી ઓનલાઈન ઓફર્સ જોઈ શકશે, અલગ અલગ રિટેલર્સની પ્રાઈઝ તુલના કરી શકશે, અને પોતાની પસંદના ઉત્પાદનો વેચી શકશે. આના માટે ગૂગલ પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહ્યું છે કે જે તેની સાઈટ પર ઉપસ્થિત હશે, આનાથી આપનો શોપિંગ એક્સપીરિયન્સ સારો રહેશે. તો આ સાથે જ કંપનીએ સેલર્સ માટે પણ નવી સેવા લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ગૂગલ પર ગ્રાહકો માટે શોપિંગ હોમ પેજ, ગૂગલ સ્ક્રીન પર શોપિંગ ટેબ, ગૂગલ લેન્સ વગેરે લોન્ચ કરવામાં આવ્યું છે. રિટેલર્સ માટે કંપની હિન્દીમાં ‘Merchant Center’ સેન્ટર લોન્ચ કરશે જે અંતર્ગત ગૂગલ શોપિંગ પર પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી શકાશે. ખાસ વાત એ હશે કે આમાં સેલર્સને એડ કેમ્પેન માટે પૈસા નહી આપવા પડે.
ગૂગલના વાઈસ પ્રેસીડેન્ટ પ્રોડક્ટ મેનેજમેન્ટ સુરોજીત ચેટર્જી અનુસાર ગૂગલ શોપિંગ પ્લેટફોર્મ રિટેલર્સ અને કન્ઝ્યુમર્સ વચ્ચે એક મોટી કડી હશે. આ પ્લેટફોર્મ પર ટ્રાંઝેક્શન અને પ્રોડક્ટ્સની ડિલીવરીની જવાબદારી વેપારીની રહેશે. તેમણે જણાવ્યું કે દેશમાં આશરે 40 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે, જો કે આમાંથી માત્ર એક તૃતિયાંશ લોકોએ જ ઓનલાઈન શોપિંગ કરી છે. આમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે કે જેઓ ઓનલાઈન રેલવે-ટિકીટ બુક કરાવે છે. ગૂગલના નવા ફિચર્સને લઈને જૂના અને નવા તમામ પ્રકારના ઓનલાઈન શોપિંગ કરનારા લોકોનો અનુભવ વધારે સારો બનશે.
સુરોજીત ચેટર્જીના જણાવ્યા અનુસાર દેશમાં આશરે 5.8 લાખ નાના અને મધ્યમ વેપારો છે જેમાં 35 ટકા રિટેલ વ્યાપારના છે. જો કે આમાંથી બહુ જ ઓછા વ્યાપારીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપ્લબ્ધ છે. આ રિટેલર્સ માટે મોટી તક છે કે તેઓ લાખો-કરોડો લોકો સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકે.