નવી દિલ્હીઃ ધનતેરસના દિવસે ખરીદીના ઉત્સાહની આગળ મોંઘા સોનાની ચમક પણ ફિક્કી પડી ગઈ. ધનતેરસના દિવસે લોકોએ સોનાની સારી ખરીદી કરી હતી. ગત વર્ષના મુકાબલે આ વર્ષે 20 ટકા જેટલી વધારે સોનાની ખરીદી થઈ છે. ગત વર્ષના મુકાબલે આ વર્ષે સોનાના ભાવ 1900 રુપિયા પ્રતિ 10 ગ્રામ વધારે હતા. આટલા વધુ ભાવ હોવા છતા લોકોએ ધનતેરસના દિવસે મન મુકીને સોનું ખરીદ્યું હતું.
આ વર્ષે ધનતેરસ પર દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવ 32,710 રુપિયા હતા જ્યારે ગત વર્ષે આ ભાવ 30,710 હતા. આ વર્ષે ધનતેરસના દિવસે સોનાની દુકાનો પર ખાસ્સી ભીડ જોવા મળી હતી અને માર્કેટ પણ અપેક્ષાથી વધુ સારુ રહ્યું હતું. જો કે નાની અને લાઈટ જ્વેલરીની ડિમાન્ડ વધુ રહી. ખરીદદારોએ સૌથી વધારે રસ સોનાના સીક્કામાં દાખવ્યો હતો. માત્ર દિલ્હીંમાં જ 900 કરોડથી વધારેનું સોનું વેચાયું હતું.
ધનતેરસ પર કેટલાક લોકો એવા હતા કે જેમણે પહેલા જ બુકિંગ કરી રાખ્યું હતું. ધનતેરસના દિવસે શુભ મુહૂર્ત પર પહોંચીને તેઓએ જ્વેલરીની ડિલિવરી લીધી હતી. આ વર્ષે સોનાની નોટો પણ ખૂબ વેચાઈ. તો આ સીવાય લગ્નની સીઝન પણ શરુ થવાની છે ત્યારે આવામાં લોકોએ સોનામાં વધારે રસ દાખવ્યો.