ક્રૂડ ઓઈલ મામલે અમેરિકા તરફથી રાહતના સમાચાર…

નવી દિલ્હીઃ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો સામે મોદી સરકારને અમેરિકા તરફથી રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકાએ પ્રતિબંધો છતાં ભારતને ઇરાનથી ક્રૂડ ઓઇલની ખરીદીની મંજૂરી આપી છે. આ છૂટ આગામી વર્ષે મે મહિનાના પ્રથમ સપ્તાહ સુધી યથાવત રહેશે. આનાથી સરકારને પોતાના કાર્યકાળ સુધી ક્રૂડ ઓઇલના દબાણ સામે ડીલ કરવામાં મદદ મળશે. મોદી સરકારનો હાલનો કાર્યકાળ મે 2019માં સમાપ્ત થઇ રહ્યો છે. આ છૂટના કારણે ભારતની તરફથી ઇરાનને અનાજ, ફાર્મા પ્રોડક્ટ્સ અને ઓટો પાર્ટ્સની નિકાસ કરી શકાશે.

સામાન્ય ચૂંટણી આગામી વર્ષે માર્ચ-એપ્રિલના મધ્યમાં થઇ શકે છે. એવામાં અમેરિકા તરફથી મળેલી આ રાહત ક્રૂડ ઓઇલના મોરચે સરકારને મોટી રાહત આપશે. ગત સપ્તાહે કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના કારણે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2.5 રૂપિયા ઘટાડવાનો નિર્ણય કર્યો.

આ નિર્ણય બાદ અનેક બીજેપી શાસિત રાજ્યોમાં પણ 2.5 રૂપિયા વેટમાં કપાત કરીને ગ્રાહકોને લાભ પહોંચાડવાની કોશિશ કરી. 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ઇંધણની કિંમતોમાં વધારાની અસર રૂપિયાની કમજોરી તરીકે સ્પષ્ટ જોવા મળી રહી છે. આનાથી ચાલૂ ખાતાની ખોટ વધી છે, જે નિકાસ અને આયાત વચ્ચેનું અંતર હોય છે.છેલ્લાં કેટલાંક દિવસોમાં તેલની કિંમતોમાં ઘટાડો થયો છે અને સરકારને આશા છે કે, ઇરાન તરફથી પેમેન્ટની આકર્ષક શરતોના કારણે સ્થિતિમાં વધુ સુધારો થશે.