ધનતેરસ-2018: ઓનલાઈન માર્કેટને કારણે ધંધાને માર પડ્યાની વેપારીઓની ફરિયાદ

0
925

મુંબઈ – મહાનગર મુંબઈ, ગુજરાત સહિત દેશભરમાં આજે ધનતેરસ અને દિવાળી તહેવારના દિવસોની ઉજવણી થઈ રહી છે. આ ઉમંગભર્યા દિવસો વચ્ચે જોકે કેટલીક પોશ બજારોના વેપારીઓમાં નિરાશા ફેલાઈ છે.

વેપારીઓએ એમની દુકાનો, શોરૂમ્સને રંગબેરંગી દીવડાઓ, તોરણોથી સજાવ્યા છે, પણ ધંધામાં મંદીને કારણે તેઓ પરેશાન છે.

સોના-ચાંદીનાં ઘરેણાં, ફેશનને લગતી ચીજવસ્તુઓ, હોમ એપ્લાયન્સીસ, રેડીમેટ ગાર્મેન્ટ્સ સહિત અનેક રીટેલરોની ફરિયાદ છે કે ઓનલાઈન માર્કેટની ડીમાન્ડ વધી રહી હોવાને કારણે રીટેલ ધંધા પર માઠી અસર પડી છે. વાસણોની દુકાનના એક વેપારીએ કહ્યું કે, અમારી આ વખતની દિવાળી પહેલાંના જેવી નથી. લોકો હવે ઓનલાઈન ઓર્ડરો આપીને વાસણો મગાવી રહ્યા છે. આને કારણે અમારે ત્યાં ઘરાકી ઘટી છે.

અગાઉ અમને દિવાળીની મોસમના આરંભે, પ્રેશર કૂકર, ટીફિન સેટ, કપ-રકાબીનાં સેટ જેવી 500-700 ચીજવસ્તુઓની ખરીદી માટે મોટા ઓર્ડર મળતા હતા. ઘરાકી પણ પુષ્કળ રહેતી હતી, પણ હવે કોઈ મોટા ઓર્ડર આવતા નથી. લોકો અહીંથી નાની-નાની ચીજવસ્તુઓ ખરીદવા જ આવે છે. મોટી ચીજવસ્તુઓ માટે તેઓ ઓનલાઈન ઓર્ડર આપી દેવા માંડ્યા છે.

બીજી બાજુ, અગ્રગણ્ય ઈ-કોમર્સ વેબસાઈટ્સ ધૂમ કમાણી કરી રહી છે. વર્ષ વીતે એમ એમનો ધંધો ધીકતો થતો જાય છે.