નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) દ્વારા તમામ એરલાઈન્સ અને વિમાનીમથકોને આદેશ આપવામાં આવ્યો છે કે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા અગાઉ લાદવામાં આવેલા એક-બેગના ઓર્ડરનો તેઓ અમલ કરે. તે નિયમો અનુસાર, ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર પ્રવાસ કરનાર પેસેન્જરો વિમાનની અંદર માત્ર એક જ બેગ લઈ જઈ શકશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય એરપોર્ટ સ્ક્રીનિંગ પોઈન્ટ્સ પર બોજો ઘટાડવાનો અને ભીડ-ધસારો ઘટાડવાનો છે.
BCASના સર્ક્યૂલરમાં જણાવ્યા મુજબ, ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર કોઈ પણ પ્રવાસીને વિમાનની અંદર માત્ર એક હેન્ડબેગ જ લઈ જવા દેવામાં આવશે. જોકે લેડિઝ બેગ સહિત સર્ક્યૂલરમાં યાદીબદ્ધ કરાયેલી ચીજવસ્તુઓને હેન્ડબેગ ઉપરાંત અંદર લઈ જવા દેવામાં આવશે. એવું જોવા મળ્યું છે કે પેસેન્જરો સ્ક્રીનિંગ પોઈન્ટ્સ ખાતે સરેરાશ બેથી ત્રણ હેન્ડબેગ્સ લઈ જતા હોય છે. એને કારણે ક્લીયરન્સ સમય વધી જાય છે, પરિણામે કામગીરીઓમાં વિલંબ ઊભો થાય છે, PESC પોઈન્ટ ખાતે ભીડ જમા થાય છે અને પેસેન્જરોને જ અગવડતા પડે છે.