નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા ગાર્મેન્ટ મેન્યૂફેક્ચરર્સ એન્ડ વેન્ડર્સ એસોસિએશન દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે કિશોર બિયાનીની માલિકીનું ફ્યૂચર ગ્રુપ એમના રૂ. 200 કરોડ ચૂકવી દે જે 2019ની સાલથી ચૂકવવાના બાકી નીકળે છે.
ઉક્ત એસોસિએશનમાં 350 જેટલા સભ્યો છે, જેઓ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેરળના છે. એમણે બિયાનીને ચેતવણી આપી છે કે જો તેઓ એમના બાકી નીકળતા પૈસા નહીં ચૂકવે તો એમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરાશે. એસોસિએશનના કન્વીનર વિશ્વાસ ઉતેગીએ કહ્યું કે ઉત્પાદકો અને સપ્લાયરોએ 2019-2022 વર્ષો દરમિયાન બિયાનીના ગ્રુપની કંપનીઓએ આપેલા ઓર્ડર મુજબ એને ગાર્મેન્ટ્સ સપ્લાઈ કર્યા હતા. દરેક મેન્યૂફેક્ચરર-વેન્ડરને ફ્યૂચર ગ્રુપ પાસેથી વ્યાજ સહિત રૂપિયા લેવાના નીકળે છે. આ પૈસા તાત્કાલિક મેળવી આપવામાં કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારો હસ્તક્ષેપ કરે એવી અમારી એમને વિનંતી છે.