અમદાવાદઃ IIFL હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ગઈ કાલે ભારતીય શ્રીમંતોની જે યાદી બહાર પાડી છે, તેમાં ટોપ-10 ભારતીય શ્રીમંતોમાં પાંચ ગુજરાતી છે. આ ટોપ-10 શ્રીમંત ભારતીયોની કુલ સંપત્તિ રૂ. 17.02 લાખ કરોડ છે, જેમાંથી 63.65 ટકા એટલે કે રૂ. 10.83 લાખ કરોડ ગુજરાતીઓની સંપત્તિ છે. આ ઉપરાંત ગુજરાતમાં 49 લોકો એવા છે જેમની વેલ્થ રૂ. 1000 કરોડથી વધુ છે. રાજ્યમાં રૂ. 1.40 લાખ કરોડની વેલ્થ સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે, જયારે રૂ. 33,800 કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ રૂ. 33,700 કરોડ સાથે ત્રીજા ક્રમે છે, એમ હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લિમિટેડ (IIFL) વેલ્થની ઇન્ડિયા રિચ લિસ્ટ 2020ની યાદી કહે છે.
ટોપ 10 ભારતીય શ્રીમંતોમાં પાંચ ગુજરાતી
IIFL હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ભારતીય માલેતુજારોની જે યાદી બહાર પાડી છે, તેમાં ટોપ-10 ભારતીય શ્રીમંતોમાં પાંચ ગુજરાતી છે. આમાં સૌથી ઉપર રિલાયન્સના મુકેશ અંબાણી છે. તેઓ પ્રતિ કલાક 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મુકેશ અંબાણીની ખાનગી સંપત્તિ 2,77,700 કરોડથી વધીને 6,58,400 કરોડ થઈ ગઈ છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના MD અને અધ્યક્ષે સતત નવમા વર્ષે સૌથી શ્રીમંત ભારતીયનું ટાઇટલ જાળવી રાખ્યું છે, જેનો ઉલ્લેખ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 20202એ કર્યો છે. આ સિવાય આ યાદીમાં ગૌતમ અદાણી, અઝિમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવી પણ છે.
રાજ્યના શ્રીમંતોની સંપત્તિમાં 52 ટકાનો વધારો
આ અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં રાજ્યના શ્રીમંતોની સંપત્તિમાં ત્રણ ટકાથી 52 ટકા સુધીનો વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિ આ એક વર્ષમાં 45,700 રૂપિયા કરોડનો વધારો થયો છે. તેવી જ રીતે પંકજ પટેલની વેલ્થ 52 ટકા વધી છે. ટોરેન્ટ ફાર્માના સુધીર મહેતા અને સમીર મહેતાની સંપત્તિમાં 38 ટકાનો વધારો થયો છે.
રાજ્યના ટોપ-20 શ્રીમંતોની યાદી
નામ | સંપત્તિ (રૂ.) | કંપની |
ગૌતમ અદાણી | 1.40 લાખ કરોડ | અદાણી ગ્રુપ |
કરસન પટેલ | 33,800 કરોડ | નિરમા |
પંકજ પટેલ | 33,700 કરોડ | ઝાયડસ |
સમીર મહેતા | 21,900 કરોડ | ટોરેન્ટ ફાર્મા |
સુધીર મહેતા | 21,900 કરોડ | ટોરેન્ટ ફાર્મા |
ભદ્રેશ શાહ | 11,600 કરોડ | AIA એન્જિનીયરીંગ |
બિનીશ ચુડગર | 10,600 કરોડ | ઇન્ટાસ ફાર્મા |
નિમિશ ચુડગર | 10,600 કરોડ | ઇન્ટાસ ફાર્મા |
ઉર્મિશ ચુડગર | 10,600 કરોડ | ઇન્ટાસ ફાર્મા |
સંદીપ એન્જિનિયર | 9,500 કરોડ | એસ્ટ્રલ સ્ટેરિટેક |
હસમુખ ચુડગર | 6,900 કરોડ | એસ્ટ્રલ સ્ટેરિટેક |
દર્શન પટેલ | 5,400 કરોડ | વિની કોસ્મેટિક |
અચલ બકેરી | 5,000 કરોડ | સિમ્ફની |
રાજીવ મોદી | 4,800 કરોડ | કેડિલા ફાર્મા |
પ્રકાશ સંઘવી | 3,600 કરોડ | રત્નમણી મેટલ્સ |
ભીખાભાઈ વિરાણી | 3,300 કરોડ | બાલાજી વેફર્સ |
અમિત બક્ષી | 3,000 કરોડ | એરિસ લાઇફસાઇન્સ |
કાનજીભાઇ વિરાણી | 2,800 કરોડ | બાલાજી વેફર્સ |
ચંદુભાઈ વિરાણી | 2,800 કરોડ | બાલાજી વેફર્સ |
શ્રીમંતોની યાદીમાં 12 નવા લોકોનો સમાવેશ
હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇનના ઇન્ડિયા રિચ લિસ્ટમાં રાજ્યના 12 નવા લોકોનો સમાવેશ થયો છે. આ યાદીમાં એસ્ટ્રલ સ્ટેરિટેક દુષ્યંત પટેલ, કોરોના રેમેડીઝના ક્રીતિકુમાર મહેતા, પારસ ફાર્માના ગિરિશ પટેલ સહિતનો સમાવેશ છે. આ તમામની કુલ સંપત્તિ રૂ. 15,700 કરોડ જેટલી થાય છે.
ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ શ્રીમંતો
આ યાદી મુજબ રાજ્યમાં રૂ. 1,000 કરોડથી વધુ વેલ્થ ધરાવતા કુલ 59 લોકો છે. આમાંથી 18 લોકો ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે સંકળાયેલા છે. જ્વેલરી સેક્ટરમાંથી 11 લોકો, ફૂડ અને બેવરેજીસ ક્ષેત્રમાંથી સાત અને કન્સ્ટ્રકશન અને એન્જિનિયરિંગ સેક્ટરમાંથી ચાર લોકોનો સમાવેશ થયો છે.
ક્યા શહેરમાં કેટલા શ્રીમંતો
દેશનાં કયાં શહેરોમાં કેટલા શ્રીમંતો રહે એ જોઈએ તો અમદાવાદમાં 38, સુરતમાં 11, રાજકોટમાં 7, વડોદરામાં 3, મુંબઈમાં 217, દિલ્હીમાં 128, બેંગલુરુમાં 67, હૈદરાબાદમાં 51, ચેન્નઈમાં 37, કોલકાતામાં 32 અને પુણેમાં 21 શ્રીમંતો રહે છે.