નવી દિલ્હી– લોકસભાની ચૂંટણી પહેલા રેટિંગ એજન્સી ફિચે ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યું છે. વધુ પડતર અને લિક્વિડિટીની ખેંચને કારણે ફિચે અનુમાન ઘટાડ્યું છે. વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં જોતા ફિચે કહ્યું છે કે વર્ષ 2019-2020 અને 2020-21માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ક્રમશઃ 7 ટકા અને 7.1 ટકા રહેશે. સાથે એજન્સીનું કહેવું છે કે 2019ના અંત સુધીમાં રુપિયો તૂટીને 75 પ્રતિ ડૉલર થઈ જશે. હાલમાં રુપિયો 71 પ્રતિ ડૉલર ચાલી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2017-18માં દેશની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી આગળ વધી હતી. તે પહેલાં ફિચે સપ્ટેમ્બરમાં વૃદ્ધિ દર 7.8 ટકા અને જૂનમાં 7.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. પણ હવે ફિચે નવું અનુમાન લગાવ્યું છે.ફિચના નવા અનુમાન અનુસાર ચાલુ નાણાકીય વર્ષ માટે આરબીઆઈએ 7.4 ટકા પહેલા મુકેલ અનુમાન કરતાં નીચો દર રાખ્યો છે. ફિચે કહ્યું છે કે અમે જીડીપીના આંકડામાં અપેક્ષાથી ઓછી વૃદ્ધિ, ઉચ્ચ નાણાકીય પોષણ પડતર અને લિક્વિડિટીની ખેંચને જોતા અમે અનુમાનનો અંદાજ ઘટાડ્યો છે. અમને લાગે છે કે માર્ચ 2019માં સમાપ્ત થતાં નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેશે.ફિચના કહેવા પ્રમાણે જીડીપી વૃદ્ધિ દર 2019-20માં 7 ટકા અને 2020-21માં 7.1 ટકા રહેવાનું અનુમાન છે. એજન્સીએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં(જુલાઈ-સપ્ટેમ્બર)માં જીડીપી વૃદ્ધિ દર ઘટીને 7.1 ટકા રહેશે. એપ્રિલથી જૂનમાં તે 8.2 ટકા હતો. ડિમાન્ડ ઘટી ગઈ છે, જેથી 8.6 ટકાથી ઘટીને 7 ટકા પર આવી ગઈ છે. સ્થાનિક ડિમાન્ડ સારી સ્થિતિમાં છે, ખાસ કરીને રોકાણ 2017ના બીજા છ મહિના પછી સતત વધ્યું છે.
રેટિંગ એજન્સીનું કહેવું છે કે આગામી વર્ષે થનાર ચૂંટણીને જોતા ભારતની રાજકોષીય નીતિ જીડીપી વૃદ્ધિને વધવામાં અનુકુળ રહેશે. સાથે વર્ષ 2019ના આખરમાં ડૉલર સામે રૂપિયો 75 સુધી તૂટી શકે છે.